સિવિલ હોસ્પિટલમાં ૧ વર્ષમાં કુલ ૧૮,૩૩૦ દર્દીઓને ઓપીડી અને ૨૮૬ ને દાખલ કરી સારવાર અપાઈ
Junagadh તા. ૧૨
એક તરફ વિશ્વભરમાં ‘‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ‘‘ની ઉજવણી અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયત્નો અને વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જૂનાગઢના જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના મનોરોગ વિભાગ દ્વારા ૯,૮૧૮ પુરુષ અને ૮,૫૧૨ મહિલા સહિત કુલ ૧૮,૩૩૦ દર્દીઓની ઓપીડી દરમિયાન વિનામૂલ્યે તપાસ અને સારવાર કરવામાં આવી હોવાની તથા ગંભીર માનસિક તકલીફ ધરાવતા કુલ ૨૮૬ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હોવાની સરાહનીય કામગીરીના આંકડા પ્રાપ્ત થયા છે, જો કે, માનસિક રોગના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું આ આંકડાઓ દર્શાવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત પણ મનાઈ રહી છે.
વિશ્વભરમાં હાલમાં ‘‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ‘‘ની ઉજવણી સંદર્ભે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા તથા વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા આ દિવસની થીમ ‘‘વાસ્તવિક અનુભવોનું શ્રવણ સાચા અવાજ, સાચું પરિવર્તન‘‘ નક્કી કરવામાં આવી છે. અને આ વિષયને આધાર બનાવી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તે હેતુથી જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢના મનોરોગ વિભાગ દ્વારા ‘‘માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માસ‘‘ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજનો તો કરવામાં આવ્યા જ છે. પણ તે સાથે જુનાગઢ જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સામાન્ય મનોરોગ વિભાગની વર્ષ ૨૦૨૬ દરમિયાનની કામગીરી પણ ઉલ્લેખનીય રહેવા પામી છે.
જુનાગઢ જનરલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ એ આપેલી વિગતો મુજબ, હોસ્પિટલના સામાન્ય મનોરોગ વિભાગ દ્વારા એક વર્ષમાં ૯,૮૧૮ કુલ ૧૮,૩૩૦ દર્દીઓની ઓપીડી તપાસ અને સારવાર કરવામાં આવી હતી તથા ગંભીર માનસિક તકલીફ ધરાવતા કુલ ૨૮૬ દર્દીઓને દાખલ કરીને સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કરાયા હતા, આમ યોગ્ય સમયે તબીબી સારવાર અને કાઉન્સેલીંગ મેળવવાથી ગંભીર માનસિક પરિસ્થિતિમાંથી પણ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ શકે છે તેના જીવંત ઉદાહરણો જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા જોવા મળ્યા છે.
ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના વધુમાં જણાવ્યા મુજબ, હોસ્પિટલના સામાન્ય મનોરોગ વિભાગ દ્વારા ૨૬ વર્ષની માતા ડિલિવરી બાદ (પોસ્ટપાર્ટમ સાયકોસિસ) ભ્રમ અને હિંસક વર્તનના કારણે પોતાના બાળકના નુકસાનના વિચારોથી પીડાતી હતી, જેને સારવાર અને કાઉન્સિલિંગ દ્વારા ૨૦ દિવસમાં સાજી કરી પરિવાર તૂટતો બચાવવામાં આવ્યો હતો. જ્યારે ૭ વર્ષથી ગંભીર સ્કીઝોફ્રેનિયા (ભ્રમ) સામે ઝઝૂમતા અને લાખોનો ખર્ચ કરી ચૂકેલા ૨૭ વર્ષના યુવાનને સાયકોથેરાપી અને ચોક્કસ દવાઓ દ્વારા હોસ્પિટલમાં માત્ર એક જ સપ્તાહમાં જ નોંધપાત્ર રાહત મળી હતી આ ઉપરાંત સતત ૨ વર્ષથી ઉદાસી અને આપઘાતના વિચારોથી પીડાતી ૪૨ વર્ષની મહિલાને આધુનિક પદ્ધતિ (નરમ વીજ પ્રવાહ) અને કાઉન્સિલિંગ દ્વારા સફળ સારવાર આપી નવું જીવન આપવામાં આવ્યું હતું.
જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢના સામાન્ય મનોરોગ વિભાગના વડા () ડૉ. તન્વી કાચા ના માર્ગદર્શન હેઠળ દર્દીઓને ખૂબ સારી સારવાર સેવા આપવામા આવી રહી છે. જેમાં સીનિયર ડોક્ટર્સ ડૉ. હિમા પોપટ અને ડૉ. નિધિષ કક્કડ તેમજ તબીબી ટીમ ડૉ. જયદેવ કમ્બાલિયા, ડૉ. જેમી, અને ડૉ. હેતલ સક્રિય સેવાઓ આપી રહ્યા છે. ત્યારે માનસિક રોગ કે તણાવ અનુભવતા કોઈપણ વ્યક્તિએ સંકોચ રાખ્યા વિના જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢના મનોરોગ વિભાગનો સંપર્ક કરવા હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.
માનોરોગ વિભાગીય વડા ડૉ. તન્વી કાચાના જણાવ્યા મુજબ, દર્દીઓની ઓપીડી અને ઇન્ડોર સારવારની સાથે હોસ્પિટલના વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે વ્યસન મુક્તિ માટે કુલ ૧,૪૭૫ દર્દીઓએ સેવા લીધી છે તથા વોર્ડમાં ગંભીર વ્યસન ધરાવતા ૫૬ દર્દીઓને દાખલ કરી વ્યસનમુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આઉટરીચ કેમ્પ અને જનજાગૃતિ અંતર્ગત ૩૮ ઓપીડી કેમ્પ યોજી ૬૭૯ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે, ૪૭ અવેરનેસ કેમ્પ દ્વારા ૬,૭૭૮ નાગરિકો સુધી માનસિક સ્વાસ્થ્યનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.

