બે દુકાનના કોલ્ડ સ્ટોરેજમાં બિનઆરોગ્યપ્રદ હાલતમાં માલ મળ્યો કોઇ રજીસ્ટર પણ ન હતા
Rajkot તા.૧૨ઃ
રાજકોટની સૌથી જુના અને ગેરકાયદે કતલખાના તરીકે પંકાયેલા મોચીબજાર કૃષ્ણપરા પાસેની ચીકન માર્કેટમાં આજે મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમે વર્ષો બાદ સૌથી મોટો દરોડો પાડતા નોનવેજના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.આજે બપોરે આરોગ્ય અધિકારી સહિતની ટીમે બે કોલ્ડ સ્ટોરેજ સાથેની દુકાનમાં રેડ કરતા અધધ ૧૫૦૦ કિલો પડતર અને બિનઆરોગ્યપ્રદ ચીકન મળી આવતા આ જથ્થાનો નાશ કર્યો છે.
મોચીબજાર અને પરાબજાર વચ્ચે આ મટન-ચીકન માર્કેટ આવેલી છે. અહીં પશુઓની કતલથી માંડી તેના વેચાણ સહિતની ફરિયાદો અવારનવાર જીવદયા સંસ્થાઓ કરતી આવી છે. તેવામાં આજે આરોગ્ય વિભાગે આ દાખલારૂપ કામગીરી કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં બિનઆરોગ્યપ્રદ મટન પકડાવાની ઘટના વચ્ચે અહીંથી પણ મોટા પ્રમાણમાં માલ જતો હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળતા કાર્યવાહી કરવામાં આવી છે. આજે બપોરે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી સહિતની ટીમ કૃષ્ણપરામાં ચબુતરા સામે આવેલા વિસ્તારમાં ચેકીંગ અર્થે દોડી ગયા હતા. આ જગ્યાએ એશમીરા ચીકનમાં ચકાસણી કરતા ત્યાંથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો ૧૧૦૦ કિલો પડતર ચીકનનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત બાજુમાં જ આવેલ અલીફ ચીકનમાં પણ દરોડો પાડતા ત્યાંથી ૪૦૦ કિલો પડતર ચીકન મળી આવ્યું હતું. આથી આ ૧૫૦૦ કિલો ચીકનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે કહ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ ચીકનના જથ્થા પર ઉત્પાદન કે અન્ય કોઇ જ પ્રકારનું લેબલીંગ કરવામાં આવ્યું નથી. અનહાઇજેનિક કંડીશનમાં આ સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. તો ચીકનના સ્લોટરીંગ (કતલ) અંગેનું પણ કોઇ પણ જાતનું રજીસ્ટર નિભાવવામાં આવતું નથી. આથી આ જગ્યાએથી અંદાજીત રૂા. ૩ લાખની કિંમતના ચીકનનો નાશ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, લગભગ ત્રણેક દાયકા પહેલા આ વિસ્તારના ગેરકાયદે કતલખાના ઉપર આરોગ્ય અને પોલીસ તંત્રની ટીમે મોટો દરોડો પાડયો હતો અને ત્યારે હુમલા સહિતની ઘટનાઓ પણ બની હતી. હાલ કતલખાના અંગેની કોઇ પ્રવૃતિ ધ્યાન પર આવી નથી પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં પણ આરોગ્યને નુકસાનકારક નોનવેજ જથ્થાબંધ વેંચાતુ હોવાનું પણ બહાર આવતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

