ગંભીર બીમારીના ખર્ચના બોજામાંથી નાગરિકોને મોટી રાહત આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
જૂનાગઢ જિલ્લામાં આયુષ્માન કાર્ડ હેઠળ ૮,૮૧૦૩૦ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મળશે
Junagadh, તા.૧૩,
ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઈ મોટી બીમારી આવી જાય તો પરિવાર પર આર્થિક બોજો આવી જાય. આર્થિક સંકટમાંથી પરિવાર વર્ષો સુધી બહાર આવતો નથી અને વ્યાજના ચક્રમાં પણ ફસાઈ જતો હતો. આ સમસ્યાનું નિવારણ PM MODIના નેતૃત્વમાં આવ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દસ લાખ સુધીની સારવાર આવરી લેવામાં આવી છે અને જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
સરકાર દ્વારા તમામ નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહે તે માટે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજના હેઠળ કાર્ડ નોંધણી લક્ષ્યાંકના ૯૮.૨૧% સુધી પહોંચીને ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.
આ તકે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.સાલવીના માર્ગદર્શન અનુસાર આ યોજનાના નોડલ ઓફિસરશ્રી અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડો. ડી. આર. વાછાણીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ મળતા મુખ્ય લાભો જોઈએ તો જેમાં વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળવાપાત્ર બને છે. પ્રત્યેક કુટુંબ દીઠ પ્રતિ વર્ષ પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓ માટે રૂ. ૧૦ લાખ સુધીની ફ્રી સારવાર પૂરી પાડવામાં આવે છે. દર્દીને હોસ્પિટલની તમામ સેવાઓ મળે છે. જેમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, ખોરાક અને ફોલો-અપ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મુસાફરી સહાય યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલમાં સારવાર અર્થે આવવા-જવાના ભાડા પેટે દર્દીને રૂ. ૩૦૦/- ની સહાય આપવામાં આવે છે. તેમજ ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ’વય વંદના યોજના’ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારના આવકના પુરાવા વગર આધાર કાર્ડમાં દર્શાવેલ વયના આધારે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને વય વંદના કાર્ડ આપી કુટુંબ દીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
કોઈપણ નાગરિકને જેને આયુષ્માન કાર્ડ કઢાવવું છે તો તેઓએ સરકારમાન્ય એપ આયુષ્યમાન ભારત એપ ડાઉનલોડ કરીને તેમાંથી કાર્ડ મેળવી શકે છે. તેમજ પોતાના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપરથી પણ આ અંગે માહિતી મેળવી શકાય છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી પ્રાઇવેટ અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો દ્વારા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬ અંતર્ગત અત્યારે જૂનાગઢ જિલ્લામાં ૮,૯૭,૦૫૧ ના લક્ષ્યાંક સામે ૮,૮૧,૦૩૦ જેટલા લાભાર્થીઓનું નોંધણી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે ૧૦૦% ના લક્ષ્યાંકની સામે ૯૮.૨૧% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આયુષ્માન ભારત અને વય વંદના યોજના બન્યા સંજીવની જૂનાગઢ જિલ્લાના નાગરિકોને મળી ખર્ચાળ સારવારમાંથી મુક્તિ
સરકાર દ્વારા અમલી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના () અને ’આયુષ્યમાન વય વંદના યોજના’ આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગંભીર બીમારીઓ અને મોંઘા ઓપરેશનોના ખર્ચ સામે આ યોજનાઓ નાગરિકોને મોટી આર્થિક રાહત અને નવું જીવન પ્રદાન કરી રહી છે. જૂનાગઢ જિલ્લાના લાભાર્થીઓના સુખદ અનુભવો જ યોજનાની સફળતાની પ્રતીતિ કરાવે છે.
લાભાર્થીઓના પ્રતિભાવો
(૧ ) ૭૨ વર્ષીય પ્રફુલાબેનને મળ્યું વિનામૂલ્યે ઓપરેશન અને નવજીવન
જૂનાગઢ તાલુકાના વડાલ ગામના રહેવાસી ૭૨ વર્ષીય પ્રફુલાબેન દોમડીયાને પગમાં અસહ્ય દુખાવો થતાં તેઓ સારવાર અર્થે જૂનાગઢ ખાતે આવ્યા હતા. તબીબી તપાસ બાદ ડૉક્ટરોએ તેમને પગનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૧ લાખ જેટલો થતો હતો. સામાન્ય પરિવાર માટે આ રકમ ખૂબ મોટી હતી, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ તેમનું ઓપરેશન સંપૂર્ણપણે નિશુલ્ક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમના ડાબા પગનો ગોળો બદલાવવામાં આવ્યો હતો. એક પણ રૂપિયાના ખર્ચ વગર સફળ સારવાર મળતા પ્રફુલાબેન અને તેમના પરિવારે સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
(૨) વિસાવદરના ભરતભાઈ નિમાવતને હૃદયરોગની ગંભીર બીમારી સામે નિઃશુલ્ક સારવાર મળી
અન્ય એક કિસ્સામાં, વિસાવદરના નિવાસી ભરતભાઈ નિમાવતને છાતીમાં ઉપડેલા દુખાવા બાદ રાજકોટની હોસ્પિટલમાં તપાસ કરાવતા એન્જિયોગ્રાફી રિપોર્ટમાં હૃદયની ત્રણ નળીઓ બ્લોક હોવાનું સામે આવ્યું હતું. આ યોજના હેઠળ જ હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરી બ્લોકેજ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ ૧૫ દિવસે તેમનું ફ્રી ચેક-અપ પણ કરી આપવામાં આવ્યું હતું. કુલ રૂ.૧,૬૦,૦૦૦ ની સારવાર તેમને વિનામૂલ્યે મળી હતી. હોસ્પિટલના સ્ટાફની ઉત્કૃષ્ટ અને પ્રેમભરી વર્તણૂકથી પ્રભાવિત થઈ ભરતભાઈ જણાવે છે કે, ‘‘આ યોજનાને કારણે મને નવું જીવન મળ્યું છે અને હું ફરીથી મારી દિનચર્યા મુજબ આનંદથી જીવી રહ્યો છું.‘‘
(૩) કૅન્સર સામેની જંગમાં આયુષ્માન ભારત યોજના બની સંજીવની કેશોદના ગિરિશભાઈ ગોરિયાને મળી નવી જિંદગી
કેશોદ તાલુકાના મેસવણ ગામના રહેવાસી શ્રી ગિરિશભાઈ ગોરિયાને કોલોન કૅન્સર જેવી ગંભીર બીમારીનું નિદાન થયું હતું, જેની સારવારનો અંદાજિત ખર્ચ રૂ. ૫ લાખ જેટલો થતો હતો. સામાન્ય પરિવાર માટે આટલી મોટી રકમનો ખર્ચ ઉઠાવવો ખૂબ જ મુશ્કેલ હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આયુષ્માન કાર્ડ તેમના માટે આશાનું કિરણ બન્યું. આયુષ્માન કાર્ડ કઢાવ્યા બાદ તેઓ અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા, જ્યાં તેમનું કૅન્સરનું સમગ્ર ઓપરેશન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.
તાજેતરના તમામ રિપોટ્ર્સ નોર્મલ આવતાં ગિરિશભાઈ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ગંભીર બીમારીમાંથી મુક્ત થઈ નવજીવન મેળવ્યા બાદ, ગિરિશભાઈ ગોરિયાએ આ કપરા સમયમાં પડખે ઊભા રહેવા બદલ અને દેશના સામાન્ય નાગરિકોની ચિંતા કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય સુરક્ષાનું કવચ આ યોજના બની છે. પ્રફુલાબેન, ગિરીશભાઈ, ભરતભાઈ જેવા જૂનાગઢ જિલ્લાના અનેક નાગરિકો આજે આયુષ્માન યોજના થકી હોસ્પિટલના મોંઘા ખર્ચ અને ચિંતામાંથી મુક્ત બન્યા છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓ રાજ્ય સરકાર-જિલ્લા આરોગ્ય તંત્રના સંકલનથી જૂનાગઢ જિલ્લાના દરેક વર્ગના લોકો સુધી પહોંચીને આરોગ્ય સુરક્ષાનું એક સશક્ત માધ્યમ બની છે.

