સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણાદાયક વિશિષ્ટ પ્રસંગ અમરેલી ખાતે ઉમંગભેર ઉજવાયો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૩ઃ
અજમેરા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક કેતન પ્રવીણચંદ્ર જોશીને વર્ષ ૨૦૨૬ નો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સન્માનની સુવાસ તેમની કર્મભૂમિ પર પ્રસરે અને શિક્ષકને તેની શાળામાં પ્રોત્સાહિત કરવાના શુભ હેતુસર અજમેરા સ્કૂલમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ કામદાર તથા આચાર્ય કંચન બહેન બારૈયાની નિશ્રામાં આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી. બાદમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું. શાળાના આચાર્ય દ્વારા સર્વ મહેમાનો તથા સન્માનિત થવા જઈ રહેલ શાળાના શિક્ષક કેતન જોશીનું ભાવભીનું શબ્દોથી સ્વાગત થયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડો ભરત કાનાબાર, સમગ્ર સ્કૂલ પરિવારની ઉપસ્થિતિમાં કેતનભાઇ જોશીને ટ્રસ્ટ વતી સુંદર મજાનો મોમેન્ટો, શીલ્ડ અર્પણ કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું.
અજમેરા સ્કૂલના શિક્ષકો દ્વારા કેતનભાઇનું સુંદર મજાનો મોમેન્ટો આપી અદકેરુ સન્માન કરવામાં આવ્યું. આ તકે કાર્યક્રમમાં ઉત્તમ લેખક, વિચારક ,ચિંતક ડો. કાલિન્દીબેન પરીખ દ્વારા પ્રસંગોચિત વાત કરવામાં આવી હતી. ફોરવર્ડ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી મનીષભાઈ સિદ્ધપુરા, રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ચંદ્રેશ બોરીસાગર, અમરેલીના પ્રસિદ્ધ લોકગાયક વિમલભાઈ મહેતા તથા ઉપસ્થિત સૌ મહેમાનો એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમના અંતમાં સન્માનિત શિક્ષક કેતન જોશી દ્વારા ભાવપૂર્ણ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને ભાવભર્યું સંચાલન શાળાના શિક્ષિકા બહેનો રમીલાબેન રાઠોડ તથા દિવ્યાબેન કારેટીયાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડો ભરતભાઈ કાનાબાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, ઉત્તમ લોકગાયક વિમલભાઈ મહેતા, શીતલ ઇન્ડસ્ટ્રીના હેડ હાર્દિક ભુવા, કાલિન્દીબેન પરીખ, ચંદ્રેશભાઇ બોરીસાગર, બંસીધર શાળાના આચાર્ય વસરા, તુલસીભાઈ મકવાણા વેપારી અગ્રણી નીતિનભાઈ સાયાણી આ શાળાના ટ્રસ્ટી કૈલાશબેન વધાણી, સેલ ફાઇનાન્સ વિભાગના આચાર્ય રક્ષાબહેન ભટ્ટ, હોસ્ટેલ વિભાગના ગૃહ માતા પ્રીતિબેન જોગી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બોહળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો પણ ઉમંગભેર આ કાર્યક્રમમાં હાજર રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નિલેશભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી.
શાળાના યુવા અને ઉત્સાહી આચાર્યની પ્રેરણા અને આયોજન તળે સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો. એક શિક્ષકની ગરિમા અને તેના કાર્યને વધાવતો અને આવકારતો આ કાર્યક્રમ સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણા રૂપ સાબિત થયો.

