(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૭ઃ
Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) દ્વારા આજે સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રેલવે એન્જિન આ ટ્રેક ઉપર દોડાવી લાઇનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હોવાનું જાણવા મળે છે. હવે સીઆરએસનું પ્રમાણપત્ર મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં રેલવેના વિકાસ, મુસાફરોની સુવિધાઓ અને વિવિધ રેલવે સેવાઓ શરૂ કરવા સહિતના પ્રશ્નો અંગે અમરેલી મિશન બ્રોડગેજ દ્વારા ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
અમરેલી રેલવે સ્ટેશન ખાતે આજે હાથ ધરાયેલા સુરક્ષા નિરીક્ષણમાં કમિશનર ઓફ રેલવે સેફ્ટી સાથે વિવિધ અધિકારીઓની ટીમ જોડાઈ હતી. અમરેલી-ખીજડીયા બ્રોડગેજ લાઇન પર એન્જિનને ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવી રેલવે લાઇનની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ સફળ રહ્યા બાદ હવે સત્તાવાર પ્રમાણપત્ર મળવાની રાહ જોવાઈ રહી છે.
પ્રમાણપત્ર મળ્યા પછી ટ્રેન શરૂ કરવા રેલવે તંત્ર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અમરેલી જિલ્લામાં રેલવેની સુવિધાઓનો વિસ્તાર કરવા અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મિશન બ્રોડગેજ અમરેલી આજે દ્વારા તા.૨૭ ઓક્ટો.ના રોજ ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં અમરેલી-ખીજડીયા બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરવા સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
રજૂઆતમાં અમરેલી બ્રોડગેજ સર્વે પૂર્ણ કરી તાત્કાલિક કામ શરૂ કરવા, ખીજડીયા-વિસાવદર રેલવે લાઇનનું બ્રોડગેજનું કામ ઝડપથી શરૂ કરવા તેમજ ખીજડીયા-જૂનાગઢ અને ખીજડીયા-વેરાવળ લાઇનનું કામ અટક્યા વગર આગળ વધારવાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વેરાવળ- હરિદ્વાર ટ્રેનનો ચિતલ, લાઠી અને વડિયા ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
અમરેલીના વેપારીઓને અમદાવાદ જવા-આવવા માટે અનુકૂળ સમયની સીધી ટ્રેન સેવા શરૂ કરવા અને ધારી-જૂનાગઢ વચ્ચે બંધ થયેલી મીટરગેજ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
હાલની સુરત-અમદાવાદ ટ્રેન માટે વધુ સુવિધા અને દિવાળી દરમિયાન વિશેષ ટ્રેન જાહેર કરવા, તેમજ અમરેલી ખીજડીયા બ્રોડગેજ લાઈન શરૂ થયા બાદ સુરતની સીધી ટ્રેન શરૂ કરવા તથા અમરેલી રેલવે સ્ટેશનનો વિકાસ કરવા રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
Amreli સ્ટેશન પર પ્લેટફોર્મ, બેન્ચ, રોડ, પીવાના પાણી, શૌચાલય, પાર્કિંગ અને દિવ્યાંગો માટેની સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. લાઠી રોડ ઓવરબ્રિજ અને ઘોળા ફાટકની સમસ્યાનો ઉકેલ લાવવા પણ માગણી કરવામાં આવી હતી.
રજૂઆત મુજબ લાઠી રોડ ઓવરબ્રિજનું કામ ગૂંચવાયેલું છે, જ્યારે ધોળા ફાટક પણ વારંવાર બંધ રહેતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને માલસામાનની હેરફેર માટે લાંબા અંતરની માલગાડીની સુવિધા શરૂ કરવા, ભાવનગર-ઓખા વચ્ચેની ટ્રેનને બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ ફરી શરૂ કરવા તથા અમરેલીથી અમદાવાદની સીધી ટ્રેન સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી.

