૭૫ જેટલા સ્ટોલ્સમાં ટાંગલિયા, પટોળા અને ઓર્ગૅનિક વસ્તુઓનું વેચાણ વચેટિયાઓ વિના કારીગરોને મળ્યું શ્રેષ્ઠ પ્લેટફોર્મ
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૨૮ઃ
Surendranagarના મેળાના મેદાન ખાતે આજથી ૧૨ દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર શ્રી રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિખિલભાઈ ચાંપાનેરી સહિતના મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદૃઘાટન બાદ આ તમામ મહાનુભાવોએ મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેઓએ સ્ટોલ ધારકો સાથે સીધો સંવાદ સાધીને તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને સખીમંડળની બહેનોના અદભૂત હસ્તકલા-કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આગામી ૦૬ નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં વોકલ ફોર લોકલના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી રહ્યો છે. આ મેળામાં કુલ ૭૫ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગના સખીમંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાથોસાથ, પી.એમ. સ્વનિધિ યોજનાના શેરી ફેરિયાઓ અને અન્ય સ્થાનિક ઉત્પાદકોને પણ પોતાના ઉત્પાદનો સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અહી એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
આ સ્વદેશી મેળામાં આપણી ભાતીગળ સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરતી હસ્તકલાની ચીજવસ્તુઓ, કોડિયા, હેન્ડીક્રાફ્ટ, પ્રખ્યાત ટાંગલિયા વણાટકલા અને રેશમ પટોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત રોજિંદા ઉપયોગ માટે ઓર્ગૅનિક સાબુ, આયુર્વેદિક તેલ અને શેમ્પુ, ઇમીટેશન જ્વેલરી, ભરતગૂંથણ વાળી વસ્તુઓ, એમ્બ્રોઈડરી પર્સ, તોરણ, આસન પટ્ટા, શર્ટ-પેન્ટ અને સ્વાદિષ્ટ ખાણીપીણીની વિવિધ વસ્તુઓ પણ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. વચેટિયાઓ વગર સીધા જ કારીગરો પાસેથી વાજબી ભાવે ખરીદી કરવાની ઉત્તમ તક મળતી હોવાથી મુલાકાતીઓ અને ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે.જાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ભાવેશ દવે સહિતનાં વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા.

