ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી પરંપરા, ચોથી પેઢી સાચવી રહી છે લાકડાની કારીગરીનો વારસો
પહેલા દિવાળીએ ઘોડિયાં, રંગબેરંગી લાકડાના પલંગ અને ભમ્મરડાં બનાવવાની ભારે માંગ રહેતી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧ઃ
સમય બદલાય છે, બજાર બદલાય છે અને સાથે સાથે લોકોની પસંદગી પણ બદલાય છે, પરંતુ કેટલીક જૂની પરંપરાઓ એવી હોય છે, જે બદલાતા સમય વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અમરેલીના કાપડ બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં જૈન દેરાસર પાસે આવેલી આશરે ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આવી જ એક જીવંત ધરોહર બની રહી છે. ગાયકવાડ સરકારના સમયથી શરૂ થયેલી આ દુકાન આજે પણ કાર્યરત છે અને તેની ચોથી પેઢી પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી રહી છે.
એક સમયે લાકડાનાં ઘોડિયાં, રંગબેરંગી લાકડાના પલંગ, બાળકોનાં રમકડાં અને ભમ્મરડાં બનાવવાની કારીગરી માટે જાણીતી આ દુકાન માત્ર વ્યવસાયનું સ્થળ નથી, પરંતુ અમરેલીના જૂના બજારની પરંપરા અને કારીગરોની મહેનતની સાક્ષી પણ છે. જો કે, આધુનિક સમયની બદલાતી માંગ અને પ્લાસ્ટિક તથા લોખંડની વસ્તુઓના વધતા વપરાશને કારણે આ પરંપરાગત કારીગરી સામે અનેક પડકારો ઊભા થયા છે.
ગાયકવાડ સરકારના સમયથી ભાડાની દુકાનમાં વ્યવસાય સાથે સ્થાનિક વેપારની જૂની પરંપરા સાથે જોડાયેલી આ દુકાન ગાયકવાડ સરકારના સમયથી કાર્યરત હોવાનું જણાવાય છે. તે સમયે ગાયકવાડ સરકારે વાર્ષિક રૂપિયા ૧૫૦ના ભાડે દુકાન વ્યવસાય માટે આપવામાં આવી હતી. ત્યારથી પેઢી દર પેઢી આ વ્યવસાય આગળ વધતો રહ્યો છે. આજે ચોથી પેઢી પણ આ કારીગરી સાથે જોડાયેલી રહીને જૂના વારસાને જીવંત રાખી રહી છે.
એક સદીથી વધુ સમય દરમિયાન અનેક પરિવર્તનો આવ્યાં, બજારોનું સ્વરૂપ બદલાયું અને નવી ચીજ વસ્તુઓએ જૂની વસ્તુઓનું સ્થાન લીધું, પરંતુ આ દુકાન સાથે જોડાયેલી કારીગરીએ સમયના પ્રવાહમાં ટકી રહેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે.
લાકડાની વસ્તુઓ તૈયાર કરવામાં સમય, મહેનત અને કારીગરીની જરૂર પડે છે. તેની સામે બજારમાં મોટા પ્રમાણમાં તૈયાર મળતી વસ્તુઓની સ્પર્ધા પણ કારીગરો માટે મુશ્કેલી ઊભી કરે છે. આવી સ્થિતિમાં પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો માટે જૂની ઘરાકી જાળવી રાખવી અને નવી પેઢીને આ કળા તરફ વાળવી પડકારરૂપ બની રહી છે.
પરંપરાગત કારીગરીનું અસ્તિત્વ જાળવવાનો પડકાર
૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે બદલાતા સમય વચ્ચે પણ કાર્યરત છે, એ પોતે જ એક વિશેષ બાબત છે. એક જ વ્યવસાયને ચાર પેઢી સુધી આગળ ધપાવવો એ માત્ર રોજગારની વાત નથી, પરંતુ વારસામાં મળેલી કળા, અનુભવ અને પરંપરા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક પણ છે.
આજે જ્યારે બજારમાં આધુનિક ચીજવસ્તુઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે આવી જૂની દુકાનો અને પરંપરાગત કારીગરોનું મહત્ત્વ વધુ વધી જાય છે. તેમની કારીગરીને પ્રોત્સાહન મળે, લાકડાની પરંપરાગત વસ્તુઓ પ્રત્યે નવી પેઢીમાં રસ જાગે અને આવા વ્યવસાયોને બજારમાં યોગ્ય સ્થાન મળે તો વર્ષો જૂની આ કળા વધુ સમય સુધી જીવંત રહી શકે.
અમરેલીના જૂના બજારમાં આવેલી આ દુકાન જાણે સમયના બદલાવની સાક્ષી બનીને ઊભી છે. ગાયકવાડ સરકારના સમયથી શરૂ થયેલી સફર આજે ચોથી પેઢી સુધી પહોંચી છે, પરંતુ તેની સાથે જોડાયેલી પરંપરાગત કારીગરી સામે હવે અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ ઊભો થયો છે. દિવાળીના તહેવારની ચમક વચ્ચે આવી દુકાનો આપણને યાદ અપાવે છે કે આધુનિકતાની દોડમાં શહેરનો જૂનો વારસો અને પરંપરાગત કારીગરોની કળા વિસરાઈ ન જાય તે પણ એટલું જ જરૂરી છે.
એક સમય હતો જ્યારે દિવાળીના તહેવારો નજીક આવતાં જ આ દુકાન સહિત પરંપરાગત લાકડાની વસ્તુઓ બનાવતા કારીગરો માટે કામની વ્યસ્તતા વધી જતી હતી. નાના બાળકો માટેનાં લાકડાનાં ઘોડિયાં, શાહુકાર પરિવારો માટેના રંગબેરંગી લાકડાના પલંગ, બાળકો રમે તેવાં ભમ્મરડાં અને વિવિધ પ્રકારનાં લાકડાનાં રમકડાંની ભારે માંગ રહેતી હતી.
તહેવારોના દિવસોમાં ઘરોમાં બાળકો માટે નવાં રમકડાં લાવવાની પરંપરા હતી. લાકડામાંથી હાથથી તૈયાર થતી આ વસ્તુઓમાં કારીગરની મહેનત, કળા અને પરંપરાગત બનાવટની આગવી ઓળખ જોવા મળતી હતી. દિવાળી જેવા તહેવારો કારીગરો માટે સારી ઘરાકી અને રોજગારીની તક લઈને આવતા હતા.
સમયની સાથે બજારમાં આધુનિક અને ઓછા ખર્ચે મળતી વસ્તુઓનું પ્રમાણ વધ્યું છે. પ્લાસ્ટિકનાં રમકડાં, લોખંડનાં પલંગ અને તૈયાર મળતી વિવિધ ચીજવસ્તુઓના વધતા વપરાશને કારણે પરંપરાગત લાકડાની વસ્તુઓની માંગમાં ઘટાડો થયો છે. પરિણામે, એક સમયે અનેક કારીગરોને રોજગારી આપતી આ કળા હવે મર્યાદિત રહી ગઈ છે.

