ખેતરમાંથી મહામહેનતે યાર્ડ સુધી પહોંચાડેલો પાક વરસાદી પાણીમાં પલળતાં ખેડૂતોને આર્થિક નુકસાન
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૧ઃ
Amreli જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરવાની સાથે સાથે તેમની મહેનત ઉપર પણ પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને બાબરા શહેરમાં પડેલા વરસાદને પગલે બાબરા માર્કેટયાર્ડના ખુલ્લા પટાંગણમાં વેચાણ માટે રાખવામાં આવેલો કપાસ અને મગફળી પલળી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દિવાળીના તહેવારો નજીક હોવાના સમયે ખેતીપાકની આવકમાંથી આર્થિક આશા રાખીને બેઠેલા ખેડૂતો માટે આ વરસાદ પડ્યા પર પાટુ સમાન સાબિત થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજના સમયે બાબરા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચાણ માટે લઈને આવ્યા હતા. દિવસભરની મહેનત બાદ વાડી-ખેતરમાંથી કપાસ અને મગફળી યાર્ડ સુધી પહોંચાડનારા ખેડૂતોને પાકના સારા ભાવ મળવાની આશા હતી.
જોકે, મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ તૂટી પડતાં માર્કેટયાર્ડના ખુલ્લા પટાંગણમાં રાખવામાં આવેલી જણસી વરસાદી પાણીમાં પલળી ગઈ હતી. જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું.
ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ખેતરમાંથી તૈયાર થયેલો પાક મહામહેનતે લણ્યા બાદ તેને વેચાણ માટે માર્કેટયાર્ડ સુધી લાવવામાં આવે છે, પરંતુ યાર્ડમાં પૂરતી શેડની વ્યવસ્થા ન હોવાને કારણે ખુલ્લામાં પડેલી જણસ વરસાદના પાણીમાં પલળે છે.
બાબરા માર્કેટયાર્ડમાં પતરાના શેડની અપૂરતી વ્યવસ્થાનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. જો ખેડૂતોની જણસને સુરક્ષિત રાખવા પૂરતી વ્યવસ્થા હોત તો વરસાદથી થયેલા નુકસાનને અમુક અંશે અટકાવી શકાયું હોત તેવી લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.
દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ખેતીની આવકમાંથી ઘરખર્ચ, દેવું અને અન્ય જવાબદારીઓ પૂરી કરવાની આશા રાખતા ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. એક તરફ ખેતીમાં બિયારણ, ખાતર, દવા અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
તો બીજી તરફ તૈયાર થયેલી જણસ વેચાણ પહેલાં જ વરસાદમાં પલળી જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો કુદરતના અચાનક પલટાયેલા મિજાજે છીનવી લીધો હોય તેવી લાગણી બાબરા પંથકના ખેડૂતોમાં જોવા મળી રહી છે.
હવે માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોની જણસને સુરક્ષિત રાખવા પૂરતા શેડ, વરસાદી પાણીના નિકાલ અને ખુલ્લા પટાંગણમાં પાક રાખવાની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.

