Jamnagar,તા.૩
Jamnagarમાં દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં ટ્રાફિક અને ભીડની સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન સુભાષ માર્કેટ નજીક આવેલા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચેલી એસ્ટેટ શાખાની ટીમ સાથે કેટલાક શખ્સોએ ઘર્ષણ કર્યું હતું. વિવાદ વધતાં એસ્ટેટ શાખાના આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને જાહેર રસ્તા પર પાડી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બર્ધન ચોક સહિત શહેરના બજાર વિસ્તારોમાં રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારે એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવીની આગેવાની હેઠળ કર્મચારીઓની ટીમ બર્ધન ચોક પહોંચી હતી.
આ દરમિયાન કેટલાક શખ્સોએ મનપાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં મામલો વકરતાં ઝપાઝપી અને મારામારી થઈ હતી. આ દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને રસ્તા પર પાડી માર મારવામાં આવ્યો હતો.
જાહેર રસ્તા પર કર્મચારી સાથે થયેલી મારામારીને કારણે ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરમાં ચર્ચા શરૂ થઈ હતી. ફરજ બજાવતા મનપાના કર્મચારી પર થયેલા હુમલાને પગલે સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત કિશન ગોહેલને સાથે રાખીને એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવી સહિતના કર્મચારીઓ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં હુમલામાં સંડોવાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ, પોલીસે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો સહિતની વિગતોના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવાની અને સમગ્ર ઘટનાની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન મનપાના કર્મચારી પર થયેલા હુમલાને પગલે ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

