ત્રણ સિંહો વચ્ચે ટેરેટરીના ઘર્ષણમાં દરિયામાં એક સિંહ ખાબક્યો હોવાની આશંકા
રાજુલાના પટવાથી ચાંચ બંદર તરફ દરિયો તરીને પાર કરવાનો પ્રયાસ સિંહ માટે જીવલેણ બન્યો હોવાની વનતંત્રની શંકા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩ઃ
Amreli જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાંથી આશરે ૫ થી ૭ વર્ષના એક સિંહનો મૃતદેહ મળી આવતાં વન્ય જીવપ્રેમીઓમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તારણ મુજબ ત્રણ સિંહો વચ્ચે ટેરેટરીને લઈને થયેલા ઘર્ષણ દરમિયાન એક સિંહ દરિયામાં ખાબક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજુલાના પટવા ગામના કાંઠેથી સામે આવેલા ચાંચ બંદર તરફ જવા માટે સિંહે દરિયો પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરિયો તરીને પાર કરવામાં નિષ્ફળ રહેતાં તેનું મોત નીપજ્યું હોવાનું વનતંત્રનું પ્રાથમિક અનુમાન છે.

આ બનાવમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારના દરિયામાં સિંહનો મૃતદેહ નજરે પડતા મળતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સિંહના મૃતદેહને દરિયાના પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દરિયામાંથી સિંહનો મૃતદેહ બહાર કાઢવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વનતંત્રના પ્રાથમિક અનુમાન મુજબ ત્રણ સિંહો વચ્ચે ટેરેટરીને લઈને થયેલા ઘર્ષણના પગલે એક સિંહ દરિયામાં ખાબક્યો હોઈ શકે છે. પટવા ગામના કાંઠેથી ચાંચ બંદર તરફ જવા દરમિયાન સિંહ દરિયો પાર કરી શક્યો ન હોવાની પણ આશંકા છે. જોકે, સિંહનું મોત કયા ચોક્કસ કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ મામલે રાજુલા વનવિભાગના આરએફઓએ ઘટનાની પુષ્ટિ કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને મોતનું સાચું કારણ જાણવા વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

