રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાયું : ગ્રાહકોએ હવે વધુ ખર્ચ કરવો પડશે
Anand, તા. ૧૪
મોંઘવારીના વધતા બોજ વચ્ચે સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. Amul દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે કંપનીએ દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી આ ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થતાં મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને દૂધ, દહીં અને લસ્સીનો નિયમિત ઉપયોગ કરતા ગ્રાહકોએ હવે વધુ ખર્ચ કરવો પડશે.
Amulના નવા ભાવપત્રક મુજબ, અગાઉ રૂ.૮૦માં મળતું ૧ કિલોગ્રામ દહીં હવે રૂ.૮૫માં મળશે. એટલે કે ગ્રાહકોએ પ્રતિ કિલોગ્રામ દહીં પાછળ રૂ.૫ વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત નાની પેકિંગમાં મળતા દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.૩૫માં મળતી ૩૮૦ ગ્રામ દહીંની થેલી હવે રૂ.૩૭માં મળશે. આ રીતે નાના પેકેટ ખરીદતા ગ્રાહકોને પણ વધારાનો ખર્ચ સહન કરવો પડશે.
અમૂલની દહીંની બકેટ ખરીદતા ગ્રાહકો માટે પણ ભાવવધારાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ રૂ.૧૧૫માં મળતી ૧ કિલોગ્રામ દહીંની બકેટનો ભાવ વધારીને રૂ.૧૨૦ કરવામાં આવ્યો છે. એટલે કે આ પેકિંગમાં પણ રૂ.૫નો વધારો થયો છે. દહીંનો ઉપયોગ માત્ર ભોજનમાં જ નહીં, પરંતુ છાશ, કઢી, રાયતું અને અન્ય વાનગીઓ બનાવવા માટે પણ થાય છે. તેથી દહીંના ભાવમાં થયેલો વધારો ગૃહિણીઓના રસોડાના બજેટને પણ અસર કરી શકે છે.
દહીંની સાથે અમૂલની લોકપ્રિય રોઝ લસ્સીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.૧૫માં મળતી અમૂલ રોઝ લસ્સી હવે રૂ.૧૭માં મળશે. એટલે કે પ્રતિ પેકેટ રૂ.૨નો વધારો કરવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન હોય કે સામાન્ય દિવસો, લસ્સી ઘણા લોકોનું પસંદગીનું પીણું છે. આવી સ્થિતિમાં તેના ભાવમાં થયેલો વધારો નિયમિત ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખશે.
ઉલ્લેખનીય છે કે અમૂલ દ્વારા ૧૨ નવેમ્બર ૨૦૨૬થી દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ય્ઝ્રસ્સ્હ્લ) દ્વારા અમૂલ બ્રાન્ડના મુખ્ય દૂધ વેરિયન્ટ્સના ભાવમાં અંદાજે ૪થી ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ નવા ભાવ મુજબ અમૂલ તાઝાના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો વધારો થયો હતો, જ્યારે અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર રૂ.૪નો વધારો કરવામાં આવ્યો હતો.
દૂધ, દહીં અને લસ્સી જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારોના માસિક ઘરખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને બાળકો અને પરિવારના આહારમાં ડેરી પ્રોડક્ટ્સનો નિયમિત ઉપયોગ કરતા પરિવારો માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બની શકે છે.
એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થતાં ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવાની શક્યતા છે. દૂધ બાદ હવે દહીં અને લસ્સી જેવા રોજિંદા ઉપયોગના ઉત્પાદનો મોંઘા થતાં મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓના રસોડાનું માસિક બજેટ ગંભીર રીતે ખોરવાઈ ગયું છે.

