Gandhinagar, તા. 19
દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. રાજ્યના દ્વારકા, નડાબેટ, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોની 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે તા. 6 થી 14 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યના આ આઠ ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ મુલાકાતીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માળખાકીય સુવિધાઓના સતત વધારા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપનને કારણે ગુજરાતના તમામ મુખ્ય પ્રવાસન અને યાત્રાધામો પર પ્રવાસીઓના ફૂટફોલમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે.
દ્વારકા મંદિર ખાતે 9.75 લાખ પ્રવાસીઓ આવતાં 128.8 ટકાનો જંગી વધારો થયો છે.અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે સૌથી વધુ 11.95 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 48.9 ટકાનો વધારો દર્શાવે છે.
એ જ રીતે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 9.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટતાં 43.9 ટકાનો ઉછાળો નોંધાયો છે. સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે પણ સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે, જ્યાં 37 હજારથી વધુ મુલાકાતીઓ સાથે 54.1 ટકાની વૃદ્ધિ થઈ છે.
આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લેતાં 32.35 ટકાનો વધારો નોંધાયો છે. જૂનાગઢ સ્થિત ગિરનાર રોપ-વે ખાતે 48,800 થી વધુ પ્રવાસીઓ (+25.3 ટકા), ઐતિહાસિક નગરી વડનગર ખાતે 62 હજારથી વધુ અને ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

