New Delhi તા. 21
વિદેશમાં બેંક ખાતું ધરાવતાં ભારતીય કરદાતાઓને આવકવેરા વિભાગે મોટી રાહત આપી છે. જો કોઈ વ્યક્તિના વિદેશી બેંક ખાતામાં ગત નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કુલ જમા રકમ 20 લાખ રૂપિયા સુધી રહી હોય અને આ નાણાં જાહેર કરેલી આવકમાંથી આવ્યા હોય, તો તે ખાતાની માહિતી આવકવેરા રિટર્ન (આઈટીઆર)માં ન આપવા છતાં પણ 10 લાખ રૂપિયાનો દંડ લાગશે નહીં. આવા કિસ્સામાં કાનૂની કાર્યવાહીમાંથી પણ છૂટ મળશે.
આવકવેરા વિભાગે વિદેશી સંપત્તિના ખુલાસા માટે શરૂ કરાયેલી ફાસ્ટ-ડીએસ યોજનાના નવા સ્પષ્ટીકરણમાં આ વાત કહી છે. જોકે, આ રાહત માત્ર જાહેર કરેલી આવકમાંથી જમા રકમ પર જ મળશે.
જો ખાતામાં બિનહિસાબી કે જાહેર ન કરાયેલી આવકના નાણાં જમા હોય તો તેનો ખુલાસો કરવો જરૂરી રહેશે. સંયુક્ત વિદેશી ખાતાઓમાં દરેક ખાતાધારકે પોતાની હિસ્સેદારીની માહિતી અલગથી આપવાની રહેશે.
યોજનાના મુખ્ય મુદ્દાઃ
શ્રેણી-એ : એક કરોડ રૂપિયા સુધીની જાહેર ન કરેલી વિદેશી સંપત્તિ પર 30 ટકા કર અને તેટલી જ વધારાની રકમ એટલે કે કુલ 60 ટકા દેણું.
શ્રેણી-બી : અગાઉ કર ચૂકવાઈ ગયો હોય, પરંતુ આઈટીઆરમાં જાહેર ન કરાયેલી વિદેશી સંપત્તિ માટે પાંચ કરોડ રૂપિયા સુધીની મર્યાદા અને એક લાખ રૂપિયા ફી.

