Uttar Pradesh, તા. 21
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર આજે સવારે પુરપાટ ઝડપે દોડતી એમ્બ્યુલન્સ આગળ જઈ રહેલાં પિકઅપ વાહનની પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં એમ્બ્યુલન્સમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યાં હતાં.
આ દુર્ઘટના સવારે આશરે 6ઃ30 વાગ્યે સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે બની હતી. એમ્બ્યુલન્સ રાજસ્થાનના જયપુરથી એક વ્યક્તિનો મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય લોકોની ઓળખ રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓ તરીકે થઈ છે. મૃતકોમાં જયપુરની જવાહર નગર કાચી વસાહતના રહેવાસી મકબૂલ ખાન (62), અલવરના પીપલખેરના રહેવાસી હરિઓમ યોગી (33) તેમજ પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મોતીવાલાના રહેવાસી અમીનુલ હક (32), રફીક (50) અને આલમનો સમાવેશ થાય છે.
આ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ રહી કે એમ્બ્યુલન્સ પહેલેથી જ એક મૃતકના અંતિમ સંસ્કાર માટે તેનો મૃતદેહ લઈને વતન જઈ રહી હતી. પરંતુ રસ્તામાં કાળ બનીને ત્રાટકેલા આ અકસ્માતે પરિવારજનો અને સ્ટાફ સહિત વધુ પાંચ લોકોના જીવ લઈ લીધાં.

