વિનોદભાઇ માછી નિરંકારી
ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીજીના વિવાહ અને વૃંદા–જાલંધરની પૌરાણિક કથા
કારતક સુદ-એકાદશી જેને દેવઉઠી એકાદશી,પ્રબોધિની એકાદશી કે તુલસી વિવાહની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે,તે હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ છે.ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં રહેલા ભગવાન શ્રીવિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે એવી ધાર્મિક માન્યતા છે. આ દિવસથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે,અનેક ઘરોમાં તુલસીજીના વિવાહ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે કરવામાં આવે છે.તુલસી વિવાહ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ ભક્તિ,પવિત્રતા,પતિ-પત્નીના અખંડ વિશ્વાસ, ત્યાગ, સત્યનિષ્ઠા અને ભગવાનની લીલાના ગૂઢ સંદેશ સાથે જોડાયેલું પર્વ છે,તેની સાથે વૃંદા અને જાલંધરની કથા પણ જોડાયેલી છે જે શિવપુરાણ સહિતની પૌરાણિક પરંપરાઓમાં વર્ણવવામાં આવે છે.
શિવજીની નેત્રાગ્નિમાંથી જાલંધરનું પ્રાગટ્ય..
શિવપુરાણની રૂદ્રસંહિતા,યુદ્ધખંડમાં જાલંધરના જન્મ અને તેના વિવાહનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. કથા અનુસાર એક વખત દેવરાજ ઇન્દ્ર અને દેવતાઓ ભગવાન શિવના દર્શનાર્થે ગયા, ત્યાં તેમને એક રહસ્યમય અને ભયંકર તેજસ્વી પુરૂષ મળ્યો, ઇન્દ્રએ તેની ઓળખ જાણવા પ્રયત્ન કર્યો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ઇન્દ્ર ક્રોધિત થઈને તેના પર વજ્રનો પ્રહાર કર્યો આથી ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા અને તેમના કપાળમાંથી ભયંકર અગ્નિ તથા તેજ પ્રગટ થયું. ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલી આ અગ્નિ એટલી પ્રચંડ હતી કે તેનો વિનાશક પ્રભાવ સમગ્ર સૃષ્ટિ પર પડી શકે તેમ હતો. દેવતાઓના હિત અને સૃષ્ટિના રક્ષણ માટે ભગવાન શિવે આ અગ્નિતેજને ક્ષારસમુદ્રમાં ફેંકી દીધું. સમુદ્રના જળમાં એ દિવ્ય તેજ એક બાળકના સ્વરૂપમાં પ્રગટ થયું.
આ બાળકના રૂદનથી પૃથ્વી-સ્વર્ગ અને અન્ય લોકમાં હાહાકાર મચી ગયો, તેના રૂદનનો અવાજ એટલો પ્રચંડ હતો કે દેવતાઓ પણ ભયભીત થઈ ગયા, આ અદ્ભુત ઘટના જોઈ બ્રહ્માજી બાળકને જોવા આવ્યા. બાળક બ્રહ્માજીના ખોળામાં આવ્યું અને તેમની દાઢી પકડીને જોરથી ખેંચવા લાગ્યું. બ્રહ્માજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં ત્યારબાદ બ્રહ્માજીએ આ બાળકનું નામ જાલંધર રાખ્યું.જાલંધરને ભગવાન શિવના નેત્રાગ્નિમાંથી જન્મેલો હોવાથી અત્યંત શક્તિશાળી-પરાક્રમી અને અજેય બનવાનું વરદાન મળ્યું. બ્રહ્માજીએ જણાવ્યું કે આ બાળકનો વધ ભગવાન રૂદ્ર સિવાય અન્ય કોઈ કરી શકશે નહીં. સમુદ્રે તેને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો અને પ્રેમથી તેનો ઉછેર કર્યો. જાલંધર મોટો થઈને અસુરોનો મહાન રાજા બન્યો.
જાલંધર અને વૃંદાના લગ્ન..
જાલંધર યુવાન થયો ત્યારે સમુદ્રદેવે તેના લગ્ન માટે યોગ્ય કન્યા શોધવાનું નક્કી કર્યું, તેમણે મહાન અસુર કાલનેમિને બોલાવી તેની પુત્રી વૃંદાનો હાથ જાલંધર માટે માંગ્યો, કાલનેમિએ સમુદ્રદેવના પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાની પુત્રી વૃંદાના લગ્ન જાલંધર સાથે કરાવ્યાં. વૃંદા અત્યંત સુંદર-ગુણવાન, ધર્મનિષ્ઠા અને પતિવ્રતામાં અડગ એવી સ્ત્રી હતી, તે પોતાના પતિ પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રેમાળ હતી. જાલંધર પણ વૃંદાને ખૂબ પ્રેમ કરતો હતો. તેમના લગ્ન પ્રસંગે અસુરો-નદીઓ અને સમુદ્રમાં આનંદની લાગણી પ્રસરી હતી. જાલંધર પોતાની પત્ની વૃંદા સાથે સુખપૂર્વક જીવન જીવવા લાગ્યો અને શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચલાવવા લાગ્યો.
વૃંદાનું પતિવ્રત અને જાલંધરની શક્તિ..
વૃંદાનું પતિવ્રત તેના જીવનની સૌથી મોટી શક્તિ હતી. પૌરાણિક માન્યતા અનુસાર વૃંદાની પવિત્રતા અને અખંડ પતિવ્રતના પ્રભાવથી જાલંધર અતિશય શક્તિશાળી બની ગયો હતો. દેવતાઓ સાથેના યુદ્ધમાં તેને હરાવવો મુશ્કેલ બન્યો. જાલંધરે પોતાના પરાક્રમ અને શક્તિથી દેવતાઓને પડકાર્યા. ધીમે ધીમે તેના મનમાં અહંકાર-સત્તાની લાલસા અને વિજયની ભાવના વધવા લાગી. શક્તિ જ્યારે વિવેકથી અલગ થઈ જાય ત્યારે તે વિનાશનું કારણ બની શકે છે.જાલંધર પાસે બળ-પરાક્રમ અને વરદાન હતાં પરંતુ તેના મનમાં વધતા અહંકારને કારણે તે ધર્મની મર્યાદાઓથી દૂર જવા લાગ્યો, આ જ તેના જીવનના પતનનું કારણ બન્યું.
જાલંધરનો અહંકાર અને ભગવાન શિવ સાથેનું યુદ્ધ..
જાલંધર જ્યારે દેવતાઓ પર વિજય મેળવવા લાગ્યો ત્યારે તેના મનમાં અહંકાર વધતો ગયો. દેવર્ષિ નારદે જાલંધરને ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય સ્વરૂપ તથા મહિમા વિશે જણાવ્યું. આ વાત સાંભળીને જાલંધરના મનમાં માતા પાર્વતીને પ્રાપ્ત કરવાની અયોગ્ય ઇચ્છા જાગી, તેણે ભગવાન શિવને પડકાર્યા અને યુદ્ધ માટે તૈયાર થયો. ભગવાન શિવ અને જાલંધર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જાલંધર પાસે શિવજીના જ તેજમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ હતી પરંતુ તેના મનમાં અધર્મ અને અહંકારનો પ્રવેશ થઈ ગયો હતો. જાલંધરની શક્તિનું રહસ્ય વૃંદાના અખંડ પતિવ્રત ધર્મમાં રહેલું હતું. જ્યાં સુધી વૃંદાનું પતિવ્રત અખંડ રહે ત્યાં સુધી જાલંધરને પરાજિત કરવો અશક્ય હતો. દેવતાઓ આ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુની શરણમાં ગયા.
ભગવાન વિષ્ણુની લીલા અને વૃંદાનો શાપ..
પૌરાણિક કથાના પ્રચલિત વર્ણન મુજબ ભગવાન વિષ્ણુએ દેવતાઓના રક્ષણ અને ધર્મની સ્થાપના માટે એક યુક્તિ કરી, તેઓ જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાની સમક્ષ ગયા, વૃંદાએ પોતાના પતિ સમજીને ભગવાન વિષ્ણુનું સ્વાગત કર્યું, જ્યારે વૃંદાને સત્યનો બોધ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને સામે આવેલા પતિ જાલંધર નથી ત્યારે તે અત્યંત દુઃખી અને ક્રોધિત થઈ ગઈ. પોતાના પતિવ્રત ધર્મ સાથે થયેલા આ કપટથી આઘાત પામેલી વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે પણ પથ્થર બની જશો.વૃંદાના શાપને ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યો અને તેઓ શાલિગ્રામ શિલાના સ્વરૂપે પૂજાવા લાગ્યા એવી લોકપ્રચલિત માન્યતા છે. વૃંદાના પતિવ્રતના ભંગથી જાલંધરની શક્તિ ક્ષીણ થઈ અને ભગવાન શિવે યુદ્ધમાં જાલંધરનો સંહાર કર્યો. આમ, જાલંધરનો અંત થયો અને દેવતાઓને તેના આતંકમાંથી મુક્તિ મળી.
વૃંદામાંથી તુલસીનો પ્રાગટ્ય અને શાલિગ્રામ સાથે વિવાહની પરંપરા..
વૃંદાના ત્યાગ-પવિત્રતા અને ભગવાન પ્રત્યેના અખંડ ભાવથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેને દિવ્ય મહિમા આપ્યો. પ્રચલિત કથા મુજબ વૃંદા તુલસીના પવિત્ર છોડના સ્વરૂપમાં પ્રગટ થઈ. ભગવાન વિષ્ણુએ વૃંદાને આશીર્વાદ આપ્યો કે તુલસી સમગ્ર જગતમાં પવિત્ર માનવામાં આવશે અને તેમની પૂજામાં તુલસી વિના ભક્તિ અધૂરી ગણાશે. ભગવાન વિષ્ણુએ શાલિગ્રામ સ્વરૂપ ધારણ કર્યું અને તુલસી સાથેનો તેમનો સંબંધ ભક્તિ તથા પવિત્રતાના પ્રતીક તરીકે સ્થાપિત થયો ત્યારથી કારતક માસના શુક્લ પક્ષમાં તુલસી વિવાહની પરંપરા પ્રચલિત બની. અનેક પરિવારો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી શુભ મુહૂર્તમાં તુલસી વિવાહ કરે છે,કેટલીક પરંપરાઓમાં દ્વાદશીનો દિવસ વિશેષ માનવામાં આવે છે.
તુલસી વિવાહનો આધ્યાત્મિક સંદેશ..
તુલસી વિવાહની કથા આપણને જીવનનાં અનેક ઊંડાં સત્યો સમજાવે છે.
પતિવ્રત અને નિષ્ઠા-વૃંદાનું જીવન પતિ પ્રત્યેની અખંડ નિષ્ઠાનું પ્રતીક છે,
કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ-સત્ય અને સમર્પણ છે,
શક્તિ સાથે વિવેક જરૂરી-જાલંધર પાસે અસીમ શક્તિ હતી પરંતુ અહંકાર અને અધર્મે તેને પતન તરફ દોરી ગયો,શક્તિનો ઉપયોગ લોકકલ્યાણ માટે થવો જોઈએ,
પ્રકૃતિ પ્રત્યે આદર-તુલસી માત્ર એક છોડ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ઔષધીય ગુણો,શુદ્ધતા, પર્યાવરણ અને જીવનદાયી પ્રકૃતિનું પ્રતીક છે,
ભક્તિ અને સમર્પણ-તુલસી અને શાલિગ્રામનું પૂજન આપણને પરમાત્મા સાથે પ્રેમ-શ્રદ્ધા અને નિર્મળ ભાવથી જોડાવાની પ્રેરણા આપે છે.
અહંકારનો ત્યાગ-જાલંધરની કથા સમજાવે છે કે કોઈપણ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય પરંતુ અહંકાર-અન્યાય અને અનૈતિકતા અંતે તેના પતનનું કારણ બને છે.
તુલસી વિવાહ એ ભક્તિ,પવિત્રતા,પ્રેમ,પ્રકૃતિ અને પરમાત્મા સાથેના સંબંધનું પવિત્ર પર્વ છે. વૃંદા અને જાલંધરની કથા આપણને શીખવે છે કે જીવનમાં શક્તિ કરતાં સદાચાર, વિજય કરતાં વિનમ્રતા અને ભૌતિક સંપત્તિ કરતાં આત્માની પવિત્રતા વધારે મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસીજીના વિવાહ દ્વારા ભક્તો પોતાના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનું વાતાવરણ સર્જે છે. તુલસીના પાન ભગવાનને અર્પણ કરતાં આપણે માત્ર એક પત્ર અર્પણ કરતા નથી પરંતુ આપણા હૃદયની શ્રદ્ધા,પ્રેમ,નિર્મળતા અને સમર્પણ પણ પરમાત્માના ચરણોમાં મૂકીએ છીએ.તુલસી વિવાહનો સાચો ભાવ એ છે કે જીવનમાં ભક્તિ ખીલે, હૃદયમાં પવિત્રતા રહે, સંબંધોમાં વિશ્વાસ જળવાય અને દરેક કાર્યમાં પરમાત્માની સ્મૃતિ બની રહે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી

