Rajkot ,તા.૨૩
રાજકોટમાં મનપાની ગંભીર બેદરકારીએ વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવતા રાજકોટવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એસઆરપી કેમ્પ નજીક રસ્તા પર અંધારું અને ૪ ફૂટ ઊંચી કુંડી અકસ્માતનું કારણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ૬ સ્પેટમ્બરના રોજ એસઆરપી કેમ્પ નજીક અંધારું હોવાથી એક બાઈક રસ્તા પરની ૪ ફૂટ ઊંચી કુંડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મિતાલીબેન કેસરિયાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આઇસીયુમાં બે મહિનાની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. ઘટનાએ રાજકોટ મનપાની બેદરકારીભરી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સાથે જ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની મૃતક મહિલાના પરિવારજનો દ્વારા ઊગ્ર માગ ઊઠી છે. ત્યારે આ મામલે હવે તંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
રાજકોટ મનપા અગાઉ અનેક વાર કોઈ ના કોઈ બાબતે વિવાદોમાં આવી ચૂકી છે. પરંતુ, કહેવાય છે કે જાડી ’ચામડીના અધિકારીઓ’ ના પેટનું પાણી પણ હલતું નથી એ વાતનો ચિતાર આપતી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા શહેરના જીઇઁ કેમ્પ વિસ્તાર નજીક રાતના સમયે એક બાઇક પસાર થઈ રહ્યું હતું. આરોપ અનુસાર, ત્યારે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે બાઇકસવારને ૪ ફૂટ ઊંચી કુંડી દેખાઈ ન હતી અને બાઇક કુંડી સાથે અથડાતા બાઇક હવામાં ફંગોળાયું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર મહિલા મિતાલીબેન કેસરિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
માહિતી અનુસાર,આઇસીયુમાં બે મહિનાની સારવાર બાદ ગઈકાલે મિતાલીબેનનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શહેરના વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માગી ઊઠી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ મામલે કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે રાજકોટ મનપા પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજકોટમાં અગાઉ અનેક વખત આવી ઘટનાઓ બની છે. આમાં, વહીવટી તંત્ર અને મનપાના હોદ્દેદારોની ગંભીર બેદરકારી છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, કોપોરેશનની બેદરકારીથી લોકોના જીવ જાય છે. ઘટનામાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે મૃતક પરિવારને સહાય પણ મળવી જોઈએ. કોર્પોરેશનની બેદરકારીના કારણે ૯ મહિનાનું બાળક માતા વિહોણું થયું છે.પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૬ સ્પેટમ્બરના રોજ મિતાલીબેન કેસરિયા અને તેમના પતિ બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એસઆરપી કેમ્પ વિસ્તાર નજીક રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ ના હોવાથી અંધારું હતું, જેના કારણે રોડની વચ્ચે આવેલ ૪ ફૂટ ઊંચી કુંડી દેખાઈ ન હતી અને બાઇક કુંડી સાથે અથડાતા હવામાં ફંગોળાયું હતું અને દંપતી નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં મિતાલીબેનને ગંભીર ઇજાઓ થતા છેલ્લા ૨ મહિલાથી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ, ગઈકાલે મિતાલીબેન જિંદગીની જંગ હારી ગયા. તેમના આક્સમિક મૃત્યુથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ૯ માસના બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

