Ahmedabad, તા.૨૭
ગાંધીનગર હાઉસિંગ બોર્ડમાં ચેરમેન અને અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નરોડામાં ૩ મ્ૐદ્ભ ફ્લેટ અપાવવાની લાલચ આપી હાઈકોર્ટના વકીલ સાથે રૂ.૨.૩૦ લાખની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. ન્યુ રાણીપમાં રહેતા દંપતીએ વકીલનાં પત્નીના નામે ફ્લેટ અપાવવાનું કહી કુલ રૂ.૨,૨૯,૫૦૦ મેળવ્યા હતા. જોકે, નક્કી કરેલા સમય બાદ પણ ફ્લેટનું પઝેશન નહીં મળતાં અને દંપતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં વકીલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરદારનગરના નોબલનગર પાસે કબીરનગરમાં રહેતા દિનેશભાઈ પ્રેમજીભાઈ સલાટ (ઉં.વ.૪૨) વર્ષ ૨૦૧૨થી ગુજરાત હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરે છે. ફરિયાદ અનુસાર, ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તેઓ સરદારનગર પોલીસ સ્ટેશન પાછળ ભદ્રેશ્વર જોગણી માતાના છાપરામાં રહેતાં તેમનાં માતા જમનાબેનના ઘરે હતા. ત્યારે ન્યુ રાણીપની બી-આલોક રેસિડેન્સીમાં રહેતાં સુરેખાબેન ઉર્ફે ટીકુ બળદેવભાઈ રાવત ત્યાં આવ્યાં હતાં.સુરેખાબેને તેમના પતિ નીરવભાઈ રાજેશભાઈ જોષી ગાંધીનગર હાઉસિંગ બોર્ડમાં અધિકારી અને ચેરમેન હોવાનું જણાવી દિનેશભાઈનાં પત્ની લીલાબેનના નામે નરોડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ મ્ૐદ્ભ ફ્લેટ અપાવવાની વાત કરી હતી. આ માટે કુલ રૂ.૨,૨૯,૫૦૦ ભરવા પડશે અને બાકીની રૂ.૯ લાખની લોન થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ વાતમાં વિશ્વાસ રાખીને દિનેશભાઈએ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગુગલ પે મારફતે સુરેખાબેનને રૂ.૯૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે જ દિવસે રાત્રે તેઓ દંપતીના ન્યુ રાણીપ સ્થિત ઘરે ગયા હતા, જ્યાં ભાડા કરાર અને નોટરી ખર્ચના નામે રૂ.૫,૫૦૦ રોકડા આપ્યા હતા. આ સમયે નીરવ જોષીએ પણ પોતે ચેરમેન હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીના રોજ ફોર્મ મંજૂર થઈ ગયું હોવાનું કહી દંપતીએ રૂ.૧.૨૦ લાખ રોકડા મેળવ્યા હતા. આ ઉપરાંત મકાનનું પઝેશન જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬માં મળી જશે તેવી વાત કરી ૧૧ જૂનના રોજ રૂ.૮,૫૦૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ રૂ.૧,૦૦૦ ગુગલ પે મારફતે મેળવ્યા હતા.દંપતીએ વકીલનો વિશ્વાસ જીતવા માટે તેમનાં પત્નીના નામે પંજાબ નેશનલ બેંકમાં ઝીરો બેલેન્સ ખાતું પણ ખોલાવ્યું હતું અને તેની પાસબુક મંગાવી હતી. જોકે, ઓગસ્ટ ૨૦૨૬ બાદ પણ ફ્લેટનું પઝેશન ન મળતાં દિનેશભાઈએ દંપતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને ફોન સ્વીચ ઓફ કરી દેતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાયું હતું. આ અંગે દિનેશભાઈએ સુરેખાબેન અને નીરવ જોષી વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત સહિત કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

