Mehsana,તા.૨૭
મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. દેલવાડા પાસે બાવળની ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જન્મ બાદ બાળકને ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું.
મળતી માહિતી મુજબ, બહુચરાજીના દેલવાડા નજીક આવેલી બાવળની ઝાડીમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિક લોકોની નજર બાળક પર પડતાં તાત્કાલિક પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ નવજાત શિશુને જરૂરી સારવાર મળી રહે તે હેતુથી બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળકને બચાવવા માટે તાત્કાલિક તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.નવજાત શિશુને બહુચરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દુઃખ અને આઘાતની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નવજાત બાળકને બાવળની ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા છે.

