(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
જામનગરના સેનાનગર વિસ્તારમાં આશાપુરા દુકાનની બાજુમાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ પતિ સાથે થયેલા મનદુઃખ બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સીટી-સી પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, કોમલબેન આકાશ કાલીરમણ (ઉંમર ૨૬) તા.૨૧ સપ્ટેમ્બરના સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે તેમના પતિ આકાશ સુરજમલ કાલીરમણ (ઉંમર ૨૭)એ જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, કોમલબેન ઘરે કચરા-પોતા કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ ભીના પોતા ઉપર ચંપલ પહેરીને ચાલતાં હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મનદુઃખ થતાં પતિ બપોરે જમ્યા વગર નોકરી પર જતા રહ્યા હતા. કોમલબેને તેમને જમવાનું કહેતાં પણ તેમણે જમવાનું લીધું ન હતું. સાંજે નોકરી પરથી પરત આવ્યા બાદ પણ બંને વચ્ચે વાતચીત થઈ ન હતી.આ સમગ્ર બાબતનું મનમાં લાગી આવતાં કોમલબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.આ અંગે સીટી-સી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. બનાવની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.એચ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

