Ahmedabad, તા.5
માનવતા અને સંવેદનાને ઝાંખી પાડતો એક હચમચાવી દેનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, નોબલનગર પાસેથી એક કારમાં નવજાત બાળકની હેરાફેરી થઈ રહી છે.
પોલીસે વોચ ગોઠવી એરપોર્ટ પહોંચે તે પહેલા જ ઓઢવની વંદના પંચાલ, વટવાનો સુમિત યાદવ અને હૈદરાબાદના રોશન અગ્રવાલને ઝડપી પાડયા હતા. તેમની તપાસ કરતા 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું.
ઝડયાપેલ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ટોળકીએ દાંતાના યુનુસખાન સિંધી પાસેથી 3.65 લાખ રૂપિયામાં આ બાળક ખરીદ્યું હતું અને હૈદરાબાદના એજન્ટ નાગરાજને વેચવા જઈ રહ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી યુનુસ સિંધી સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી ગરીબ પરિવારોના બાળકો મેળવી આંતરરાજ્ય રેકેટ ચલાવતો હતો. ખાસ વાત એ છે કે, આરોપી વંદના પંચાલ અને યુનુસની મુલાકાત અમદાવાદ કોર્ટમાં મુદત દરમિયાન થઈ હતી, જ્યાંથી આ કાળા કારોબારનું પ્લાનિંગ શરૂ થયું હતું.
આ બાળક યુનુસે હિંમતનગર ખાતેથી ગોવિંદભાઈ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગોવિંદભાઈ કોણ છે? શું તે બાળકના પિતા છે કે અન્ય કોઈ એજન્ટ? હાલમાં પોલીસ યુનુસના મોબાઈલ, બેન્કની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

