Rajkot,તા.૨૫
આકાશમાં વાદળો ઘેરાય એટલે ખેડૂતના મનમાં આશા જાગે છે. કાળા ડિબાંગ વાદળો જોઈને તેને લાગે છે કે હવે મેઘરાજા મન મૂકીને વરસશે અને આકાશનું પાણી વરસાદ બનીને ખેતરમાં ઉતરશે. પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક ખેડૂતો માટે આકાશનું પાણી હાલ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે અને ખેડૂતોની આંખો હવે ખેતરમાં નહીં, પરંતુ આકાશ તરફ મંડાયેલી છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાંથી સામે આવેલા દ્રશ્યો ખેડૂતોની વ્યથા સમજવા માટે પૂરતા છે. ખેતરમાં એક ખેડૂત ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને પોતાના જ હાથે વાવેલા પાકને જમીનમાંથી ઉખેડી રહ્યા છે. આ ખેડૂત છે ચિરાગભાઈ સાવલિયા. વરસાદના અભાવે તેમનો મગફળીનો પાક નિષ્ફળ જતા હવે તેને ખેતરમાંથી કાઢી નાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. ચિરાગભાઈ સાવલિયાએ પોતાના પાંચ વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો વરસાદ પડતા તેમને પાક સારો આવશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ ત્યારબાદ માત્ર સામાન્ય વરસાદ થયો અને લાંબા સમય સુધી મેઘરાજાએ મોં ફેરવી લેતા મગફળીના પાક પર તેની સીધી અસર પડી.
ખેડૂત ચિરાગભાઈના જણાવ્યા પ્રમાણે, તેમણે પાંચ વીઘા જમીનમાં મગફળીના વાવેતર પાછળ અંદાજે ૭૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. તેમાં લગભગ ૨૫ હજાર રૂપિયા બિયારણ પાછળ, ૧૦ હજાર રૂપિયા નિંદામણ માટે અને આશરે ૫ હજાર રૂપિયા દવા પાછળ ખર્ચ્યા હતા. આ ઉપરાંત ટ્રેક્ટર, ડીઝલ, પિયત, ખાતર અને મજૂરી સહિતના અન્ય ખર્ચ પણ કર્યા હતા. પરંતુ હવે વરસાદના અભાવે પાક બળી જતા આખી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે. પાકમાંથી આવક થવાની વાત તો દૂર રહી, હવે પોતાના જ ખેતરમાં ટ્રેક્ટર ફેરવીને મગફળીનો પાક કાઢી નાખવાનો વારો આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં આ વખતે વરસાદ ગયા વર્ષની સરખામણીએ ઘણો ઓછો વરસ્યો છે, જેમાં પડધરી તાલુકાના ખેડૂતો પણ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિછીયા તાલુકામાં થયો છે, વિછીયા તાલુકામાં ૬.૬૪ ઇંચ વરસાદ પડ્યો છે, ઉપલેટા તાલુકામાં ૯.૨ ઇંચ, જસદણ તાલુકામાં ૯.૮૪ ઇંચ, પડધરી તાલુકામાં ૧૦.૬ ઇંચ, કોટડા સાંગાણીમાં ૧૪.૫૬ ઇંચ, લોધીકા તાલુકામાં ૧૫.૬૦ ઇંચ, ધોરાજી તાલુકામાં ૧૬.૪ ઇંચ, રાજકોટ તાલુકામાં ૧૬.૭૬ ઈંચ, જામકંડોળા તાલુકામાં ૧૭.૮ ઇંચ, જેતપુર તાલુકામાં ૧૭.૨૮ ઇંચ, ગોંડલ તાલુકામાં ૧૮.૮૮ ઇંચ વરસાદ પડ્યો હતો. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ખેડૂતોને પોતાનો મહામૂલો ખેતપાક પશુઓને ખવડાવો પડી રહ્યો છે.
વરસાદ ખેંચતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને કપાસના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, ત્યારે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૫.૨૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. જેમાં મગફળીનું ૩.૨૪ લાખ હેકટરમાં અને કપાસનું ૧.૦૮ લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૪૭ ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની અછત યથાવત રહે તો આગામી દિવસોમાં ખેતી પર તેની અસર વધુ ગંભીર બની શકે છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોની માત્ર ખેતીની ચિંતા નથી વધી, પરંતુ આગામી તહેવારોની ખુશી પણ જાણે ફિક્કી પડી ગઈ છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, પરંતુ પાક નિષ્ફળ જવાની ચિંતા વચ્ચે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળતી નથી, કેમ કે ખિસ્સામાં પૈસા જ નથી તો તહેવારો કેવી રીતે ઉજવશે.

