સ્ક્રેપના ધંધાર્થીએ ભાગીદારની જાણ બહાર રૂ.૧૧ લાખનો માલ બારોબાર વેંચી મારી ઠગાઈ કરી
Rajkot તા.૬ઃ
શહેરમાં સ્ક્રેપના ધંધાર્થીએ ભાગીદારની જાણ બહાર રૂ.૧૧ લાખનો માલ બારોબાર વેંચી મારી ઠગાઈ કરી હતી. જે છેતરપીંડીના કેસમાં કાનૂની દાવપેચથી વોરંટ બજવા નહિ દેતા દંપતીને કોર્ટે ફરારી જાહેર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા જેરામભાઇ છગનભાઇ કળથિયા અને તેના ભાઈ નરશીભાઈ છગનભાઇ કળથિયાએ ફરિયાદી જયેશભાઈ ભલગામા સાથે ભાગીદારીમાં સ્ક્રેપનો ધંધો ચાલુ કર્યો હતો. જે ભાગીદારીના ધંધામાં જેરામભાઇ કળથિયા પત્ની વનીતાબેન કળથિયાના નામે એગ્રીમેન્ટ થયું હતું.
બાદમાં ફરિયાદી જયેશભાઈ ભલગામાની જાણ બહાર રૂ.૧૧ લાખનો માલ બારોબાર વેંચી માર્યો હતો. જે અંગે જેરામભાઇ કળથિયા, નરશીભાઈ કળથિયા અને વનીતાબેન કળથિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં માત્ર નરશીભાઈ કળથિયા હાજર થતા હતા જ્યારે જેરામભાઇ કળથિયા અને વનીતાબેન કળથિયાને સમન્સ બજી જવા છતાં ઇરાદાપૂર્વક ન્યાયની પ્રક્રિયામાં હાજર ન રહેતા અને કાનૂની દાવપેચથી વોરંટ બજવા દેતા ન હતા.
જેની સામે ફરિયાદીના એડવોકેટ ભારતીય નાગરિક સુરક્ષા ધારાની જોગવાઈની વિસ્તૃત રજૂઆત કરી અને સમન્સ બજી જવા છતાં વોરંટ બજવા ન દે તેને ફરારી જાહેર કરી અને તેના રહેણાંક અને તેની અન્ય જગ્યાએ ફોટા ચોંટાડી આરોપીને ફરારી જાહેર કરવા ટેકિન્કલ મુદ્દો ઉપસ્થિત કરી ખાનગી ફરિયાદમાં પણ આરોપીને ફરારી જાહેર કરી શકાય તેવી દલીલ કરી હતી. જે દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી દંપતીને ફરારી જાહેર કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ અંજનાબેન ચૌહાણ રોકાયા હતા.

