ગૃહ કેલેસને કારણે માવતર રહેતી પત્નીની કાયમી ભરણપોષણની દાદ માંગી હતી
Rajkot તા.૬ઃ
ગૃહ કેલેસને કારણે માવતર રહેતી પત્નીની કાયમી ભરણપોષણ મળવા અંગેની અરજી ગોંડલ ફેમિલી કોર્ટે મંજૂર કરીને દર માસે રૂપિયા ૪ હજાર ભરણ પોષણ અરજીની તારીખથી ચૂકવવા રાજકોટમાં ખાનગીમાં નોકરી કરતા પતિને હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, હાલ ગોંડલ રહેતા રિધ્ધિ મહેન્દ્રભાઈ ટાંકના લગ્ન રાજકોટ ખાતે રહેતા ખાનગી પેઢીમાં કામ કરતા અને શેરની લે વેચ કરતા ચેતન નરેન્દ્રભાઈ ટાંક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન થયેલા વૈચારિક મતભેદો અને ઘરકંકાસને કારણે પત્ની છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેવા મજબૂર બની હતી. પત્ની પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી ગોંડલ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.
આ કેસ ગોંડલ ફેમિલી કોર્ટમાં ચાલવા પર આવતા પરિણીતાના વકીલ કિશન આર. મેવાડા દ્વારા કોર્ટ સમક્ષ પત્નીની આર્થિક જરૂરિયાત અને સામે પક્ષે પતિ ચેતન ટાંકની આર્થિક સક્ષમતા તેમજ કમાણીના સાધનોના સચોટ પુરાવા કોર્ટ સમક્ષ ધ્યાને મૂકવામાં આવ્યા હતા. તેમાં બંને પક્ષોની રજૂઆતો પુરાવાઓ અને વકીલની કાનૂની દલીલોને વિગતવાર ધ્યાને રાખીને ગોંડલ ફેમિલી કોર્ટે અરજદાર પત્ની રિધ્ધિબેનની ભરણપોષણની અરજી મંજૂર કરી સામાવાળા પતિ ચેતન ટાંકે પત્નીને અરજી કર્યા તારીખથી દર મહિને રૂા.૪૦૦૦ ચૂકવી આપવા હુકમ કર્યો છે. પરિણીતા વતી એડવોકેટ કિશન આર. મેવાડા, જીગર એચ. કણજારીયા, રાજ જે. મેતા, રોકાયા હતા.

