Mumbai,તા.20
પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને ઓસ્ટ્રેલિયન ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીથી બચીને રહેવાની સલાહ આપી છે. તેનું માનવું છે કે આ દિગ્ગજ ભારતીય બેટ્સમેન ઉશ્કેરાઈને જે જુસ્સા સાથે રમે છે તે જ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હોય છે.
કોહલી છેલ્લાં ઘણાં સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં છે પરંતુ તેણે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે શુક્રવારથી ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી પાંચ મેચની શ્રેણીમાં ફરી લય મેળવવાનો પ્રયાસ કરશે.
કોહલીને ઉશ્કેરીને મોટેભાગે ઓસ્ટ્રેલિયાને નુકશાન થયું છે અને વોટસને પોતે તેનો અનુભવ કર્યો છે. વોટસને કહ્યું, ’હું વિરાટ વિશે એક વાત જાણું છું કે તે મેચમાં દરેક બોલ પર જે જુસ્સો લાવે છે તે અદ્ભુત છે. પરંતુ તાજેતરનાં સમયમાં, એવી ક્ષણો આવી છે.
જ્યારે તેની અંદરની આગ ઓલવાઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મેચની દરેક ક્ષણોમાં તે તીવ્રતા જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. “પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ તેને એકલો છોડી દેવો જોઈએ અને આશા રાખવી જોઈએ કે તે ફરીથી જુસ્સો અને લય ન લાવે.
વિરાટે ઓસ્ટ્રેલિયામાં 13 ટેસ્ટ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 6 સદી અને 4 અડધી સદીની મદદથી 54.08ની સરેરાશથી 1352 રન બનાવ્યાં છે, જેમાંથી 169 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
વિરાટ કોહલી 5મી વખત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014-15 ની શ્રેણીમાં હતું જ્યારે તેણે 4 ટેસ્ટમાં 4 સદી અને એક અડધી સદી સાથે 86.50 ની સરેરાશથી 692 રન બનાવ્યાં હતાં.

