પેઢીમાંથી મેન્ગો મિલ્ક શેક અને પેપ્સીના નમુના લઈને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા
Mehsana, તા.૧૬
Mehsana ફૂડ વિભાગની ટીમે શોભાસણની સીમમાં હેબુવા રોડ પર આવેલી કેરી રસ બનાવતી એક ફેક્ટરીમાં ઓચિંતી તપાસ કરતાં વાસ મારતી કેરીનો શંકાસ્પદ જથ્થો, કલરયુક્ત મેન્ગો મિલ્ક શેક તથા કલરયુક્ત પેપ્સી મળી આવતાં કુલ રૂ.૫૮,૧૦૦ કિંમતના જથ્થાનો નાશ કરી મેન્ગો મિલ્ક શેક તથા પેપ્સીના નમુના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉનાળાની સિઝનમાં વિવિધ પ્રસંગોમાં તેમજ ઘરે પણ લોકો તૈયાર કેરીરસ આરોગતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લા ફૂડ અધિકારી વી.જે.ચૌધરીએ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે.જે.પ્રજાપતિ અને ફૂડ સેફ્ટી ઓફિસર યુ.એચ.રાવલ સહિતની ટીમ સાથે સોમવારે બાતમીના આધારે મહેસાણાના શોભાસણ ગામની સીમમાં હેબુવા રોડ પર આવેલા મે. સકર ડેરી પ્રોડક્ટ (નરેન્દ્રભાઈ પટેલ)માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
અધિકારીઓની તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી વાસ મારતી સડેલી કેરીનો શંકાસ્પદ જથ્થો, કલરયુક્ત મેન્ગો મિલ્ક શેક તથા કલરયુક્ત પેપ્સીનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ મેન્ગો મિલ્કશેક અને પેપ્સીનો નમૂનો લઈને પૃથક્કરણ માટે મોકલવાની તજવીજ કરી હતી. તેમજ સડેલી કેરીમાંથી કોઈ પ્રોડક્ટ બનાવીને બજારમાં જાય તે પહેલાં ૯૯૦ કિલો સડેલી કેરી (કિં.રૂ.૨૦,૪૦૦), કલરયુક્ત શંકાસ્પદ મેન્ગો મિલ્ક શેક ૧૭૦ કિલો (કિં.રૂ.૨૯,૭૦૦) તેમજ ઓરેન્જ કલરની ૧૨૦ લિટર પેપ્સી (કિં.રૂ.૮,૦૦૦) મળીને કુલ રૂ.૫૮,૧૦૦ કિંમતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું ડેઝીગ્નેટેડ ઓફિસર વી.જે.ચૌધરીએ જણાવ્યું હતું. પેઢીમાંથી મેન્ગો મિલ્ક શેક અને પેપ્સીના નમુના લઈને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ હાલ આ પેઢીને નોટિસ આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

