Vadodara,તા.25
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વચ્ચે નિયમિત રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાના હેતુથી બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલને નિયમિત કરવામાં આવી છે. હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે.
બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને સોમવારે સવારે 6.45 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનની નિયમિત સેવા 29 ઓગસ્ટ, 2026થી શરૂ થશે.
તે જ રીતે ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ દર શુક્રવારે સવારે 7.50 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ દિશાની નિયમિત સેવા 28 ઓગસ્ટ, 2026થી શરૂ થશે.
ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બાદશાહનગર, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 15086/15085 માટેનું બુકિંગ 26 ઓગસ્ટ, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થશે.

