New Delhi,તા.02
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી-20 દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ છે અને તેનો શ્રેય મીડિયા રાઈટ્સથી થતી કમાણીને જાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જ્યારે 2023-27 માટે મીડિયા રાઈટ્સ રેકોર્ડ 5.4 અબજ ડોલર ત્યારનાં અંદાજે 48 હજાર કરોડ રૂપિયામાં વેચ્યાં હતાં, ત્યારે ક્રિકેટ જગતમાં સનસનાટી થઈ ગઈ હતી.
બોર્ડને આશા હતી કે જ્યારે તે આગામી પાંચ વર્ષ માટે બોલી લગાવશે ત્યારે મીડિયા રાઈટ્સ નવા મુકામ પર પહોંચશે, પરંતુ હવે તેનું આ સપનું તૂટતું દેખાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, 2028-32 સુધીના મીડિયા રાઈટ્સની બોલીમાં વધારો થવાની શક્યતા ઓછી છે અને તે ઓછી અથવા આ જ રકમ પર સ્થિર રહી શકે છે.
2023 થી 2027 સુધીનાં IPL પ્રસારણ અધિકારો એટલે કે મીડિયા રાઈટ્સ વાયકોમ 18 અને ડિઝની સ્ટારને અંદાજે 5.4 બિલિયન ડોલરમાં આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી પ્રસારણ કંપનીઓ ખોટમાં જ જઈ રહી છે. રિપોર્ટ મુજબ, પ્રસારણ કંપનીઓને 2027 સુધીમાં આશરે 1.8 થી બે અબજ ડોલર 15-18 હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે.
નોંધનીય છે કે છેલ્લાં બે દાયકામાં IPL એ જબરદસ્ત ગ્રોથ બતાવ્યો છે, તેથી કંપનીઓને આ લીગ ફાયદાનો સોદો લાગી હતી, પરંતુ અપેક્ષા કરતા ઓછી કમાણી થવાને કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું છે.
ફ્રેન્ચાઇઝીઓએ કમાણીના અન્ય વિકલ્પો શોધવા પડશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્રેન્ચાઇઝીની કમાણી હવે માત્ર મીડિયા રાઈટ્સ પર નિર્ભર ન રહી શકે. તેમણે હવે કમાણી કરવા માટે અન્ય વિકલ્પો શોધવા પડશે. ફ્રેન્ચાઇઝી હાલમાં સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ, મર્ચેન્ડાઇઝ અને બ્રાન્ડ એક્સટેન્શનથી કમાણી કરે છે.
શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોનું માનવું છે કે 2023-27નો મોટો ઉછાળો એક અણધારી ઘટના હતી, જે તીવ્ર સ્પર્ધાને કારણે થઈ હતી. બીજી તરફ, વર્તમાન પ્રસારણકર્તા જિઓસ્ટારે સ્થાનિક ભાગીદારના ચુકવણીમાં વિલંબને કારણે બાંગ્લાદેશમાં IPLની બ્રોડકાસ્ટ ડીલ ખતમ કરી દીધી છે. IPL ના પ્રસારણ અધિકારો 2027 સુધી જિઓ-હોટસ્ટાર પાસે છે.
IPL હિટ છતાં નુકસાન કેમ?
1. બોલી લગાવવાની સ્પર્ધામાં ઘટાડો
2023-27 ચક્ર માટે થયેલી બોલીમાં ઘણી કંપનીઓ રેસમાં હતી. જેમાં વાયકોમ 18, ડિઝની સ્ટાર ઉપરાંત રિલાયન્સ મુખ્ય હતી. જિઓ-હોટસ્ટારના વિલીનીકરણ પછી તમામ અધિકારો એક જ પ્લેટફોર્મ પર આવી ગયા છે. આગામી ચક્રમાં આ સ્પર્ધા ઘણી ઓછી હશે.
2. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ભારે રોકાણ પણ ઓછું રિટર્ન
જિઓ-હોટસ્ટારે મેચોના પ્રસારણ માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર મોટું રોકાણ કર્યું હતું, પરંતુ અત્યંત ઓછું રિટર્ન મળવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. જાહેરાત અને સબસ્ક્રિપ્શન ગ્રોથમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
3. ક્રિપ્ટો અને ગેમિંગ કંપનીઓ પર પ્રતિબંધ સૌથી મોટું કારણ
પ્રસારણ કંપનીઓની કમાણીનું સૌથી મોટું સાધન જાહેરાતો હોય છે. ખાસ કરીને ક્રિપ્ટો અને રિયલ મની ગેમિંગ કંપનીઓથી પ્રસારણ કંપનીઓને ઘણો નફો થતો હતો, પરંતુ ભારત સરકારે 2025માં સંસદમાં બિલ પસાર કરીને આ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. આ એક મોટો ફટકો હતો અને તેનાથી જાહેરાતની આવકમાં ઘટાડો થયો. રિપોર્ટ મુજબ, તાજેતરની સીઝન્સમાં આ ઘટીને માત્ર 07 ટકા રહી ગયું છે, જે પહેલા 18 ટકા હતું.
મીડિયા રાઇટ્સમાં વર્ષ દર વર્ષે થયેલી વૃદ્ધિ જે દર્શાવે છે કે કેવી રીતે સમયની સાથે મેચોની સંખ્યા ઘટી હોવા છતાં તેની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છેઃ
વર્ષ 2008 થી 2017 : આ દસ વર્ષના ગાળામાં કુલ 644 મેચો રમાઈ હતી. તેના મીડિયા રાઇટ્સ 0.9 અબજ ડોલરમાં વેચાયા હતા, જેનો અર્થ છે કે એક મેચની કિંમત અંદાજે 1.4 મિલિયન ડોલર હતી.
વર્ષ 2018 થી 2022 : આ પાંચ વર્ષમાં મેચોની સંખ્યા ઘટીને 314 થઈ ગઈ, પરંતુ રાઇટ્સની કિંમત વધીને 1.9 અબજ ડોલર થઈ ગઈ. આનાથી પ્રતિ મેચ ફી વધીને 6.0 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.
વર્ષ 2023 થી 2027 : હાલના સમયગાળામાં 414 મેચો માટે મીડિયા રાઇટ્સનો આંકડો સીધો 5.4 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આને કારણે હવે એક મેચની કિંમત અધધ 13.2 મિલિયન ડોલર થઈ ગઈ છે.
2008ની સરખામણીમાં 2023-27ના ગાળામાં પ્રતિ મેચની કિંમતમાં લગભગ 9 ગણો વધારો જોવા મળ્યો છે, જે આ રમતની વધતી જતી લોકપ્રિયતા અને આર્થિક તાકાત સૂચવે છે.

