નર્મદાનું ૧.૪૩ લાખ મિલિયન ઘન ફૂટ પાણી છોડાયું અને સૌરાષ્ટ્રના જળસ્ત્રોતોનું થયું પુનર્જીવન
ત્રણ તબક્કાની સફર ૧,૩૭૧ કિમીની પાઇપલાઇન ૧૧ જિલ્લા, ૧૧૫ જળાશયો થી લઈને ૮૦ લાખની વસ્તી સુધી પહોંચ્યુ માં નર્મદાનું અમૃત
Rajkot તા. ૧૭
ગુજરાતના વિકાસ ઇતિહાસમાં કેટલીક યોજનાઓ એવી છે, જે માત્ર સરકારી પ્રોજેક્ટ નથી હોતી, પરંતુ લાખો લોકોના જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય લાવનારી ક્રાંતિ બની જાય છે. ‘‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના‘‘ એટલે કે ‘‘સૌની યોજના‘‘ એવી જ એક ઐતિહાસિક, સંવેદનશીલ અને દૂરગામી અસર ધરાવતી ભગીરથ યોજના છે, જેણે વર્ષો સુધી પથરાળ જમીન અને પાણીની આકરી અછતનો સામનો કરનારા ગૌરવવંતા સૌરાષ્ટ્રને વિકાસ અને સમૃઘ્ઘિની જીવનધારા આપી છે.
‘‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના‘‘ આ માત્ર કોઈ સૂત્ર નથી, પણ સૌરાષ્ટ્રની બદલાયેલી તસ્વીરની જીવંત ગાથા છે! આ ઐતિહાસિક જળ-ક્રાંતિની ભવ્ય જાહેરાત વર્ષ ૨૦૧૨માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતેથી ‘‘નમામિ દેવી નર્મદે’’ ના જયઘોષ સાથે કરવામાં આવી હતી. તેમના આ વિઝનરી સંકલ્પને જમીન પર ઉતારી પ્રકલ્પ બનાવવા માટે વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ‘‘સૌની યોજના‘‘ નો એક અડીખમ અને મજબૂત પાયો નખાયો.
વિતેલા આ ૧૨ વર્ષોમાં જન-જનના વિશ્વાસ અને સરકારના અવિરત પરિશ્રમનો એવો સમન્વય સર્જાયો છે, જે આજે સમગ્ર સૌરાષ્ટ્રની સૂકીભઠ્ઠ ધરતી અને લાખો પરિવારો માટે સાક્ષાત્? ગંગા અવતરણ જેવો પરમ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
આ ઐતિહાસિક પરિવર્તન પાછળ ગુજરાત સરકારની દૃઢ ઇચ્છાશક્તિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીએ મહત્વનો ફાળો ભજવ્યો છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે નર્મદાના વધારાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી સૌરાષ્ટ્રની જરૂરિયાત પૂરી કરવાનો સંકલ્પ કર્યો હતો.
ટીમ દ્વારા થયેલા સર્વેક્ષણમાં અહેવાલ મળ્યો કે નર્મદાના વધારાના પાણીમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી (૪૩,૫૦૦ મિલિયન ઘન ફૂટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવી શકાય તેમ છે. બસ, આ જ અહેવાલે ‘‘સૌની યોજના‘‘ ના રૂપે એક નવા સુવર્ણ યુગની શરૂઆત કરી દીધી.
આજે આ યોજના સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચી છે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિતના ૧૧ જિલ્લાઓ આવરી લેવાયા છે. વર્તમાન સમયમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૭૩૧ ગામો અને ૩૧ શહેરોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ધરતીપુત્રોના કલ્યાણ માટે ૯૭૦ થી વધુ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે, જેનાથી ૮,૨૪,૮૭૨ એકર જેટલા વિશાળ વિસ્તારમાં પિયત અને પીવાના પાણીનો પ્રકલ્પ સાકાર થયો છે. સૌરાષ્ટ્રના ૧૧૫ હયાત જળાશયોને આ યોજના હેઠળ જોડીને સિંચાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
૧,૩૭૧ કિલોમીટર લાંબી પાઇપલાઇનની ૪ મજબૂત કડીઓ (લિંક)સમગ્ર સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે આ ભગીરથ પ્રોજેક્ટને મુખ્ય ચાર લિંકમાં વહેંચવામાં આવ્યો છે, જે ગ્રાઉન્ડ લેવલ પર નર્મદાના નીર પહોંચાડે છે
લિંક-૧ (મોરબીથી દેવભૂમિ દ્વારકા – ૨૦૮ કિમી) આ લિંક મોરબીના મચ્છુ-૨ ડેમથી શરૂ થઈ દેવભૂમિ દ્વારકાના સાની બંધ સુધી લંબાય છે. આ લિંક હેઠળ આયોજન મુજબ મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૩૦ જળાશયોને જોડવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. (મુખ્ય ડેમ મચ્છુ-૧ અને ૨, આજી-૩, સાની બંધ, ઉંડ-૧, ૨ અને ૩, આજી-૪ અને ડાઇ મીનસર).
લિંક-૨ (સુરેન્દ્રનગરથી અમરેલી – ૨૯૯ કિમી) સુરેન્દ્રનગરના લીંબડી-ભોગાવો-૨ ડેમથી અમરેલીના રાયડી ડેમ સુધી જાય છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના આયોજન મુજબના ૧૯ જળાશયોને જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. (મુખ્ય ડેમ લીંબડી-ભોગાવો-૨, વડોદ, કૃષ્ણસાગર, ભીમનાથ, સુખભાદર, શેત્રુંજી, રજાવળ, માલણ અને રાયડી ડેમ).
લિંક-૩ (સુરેન્દ્રનગરથી જામનગર – ૨૯૯ કિમી) સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી જામનગરના વેણુ-૧ ડેમ સુધી કનેક્ટિવિટી આપે છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના આયોજન મુજબના ૩૧ જળાશયોને જોડી દેવાયા છે. (મુખ્ય ડેમ ધોળીધજા, આજી-૧, ૨, ન્યારી-૧, ૨, ભાદર-૧, વેણુ-૧, ૨, ફોફળ, મોજ અને વેરી બંધ).
લિંક-૪ (સુરેન્દ્રનગરથી ગીર સોમનાથ – ૫૬૫ કિમી) આ યોજનાની સૌથી લાંબી લિંક છે જે લીંબડી-ભોગાવો-૨ ડેમથી શરૂ થઈ છેક ગીર સોમનાથના હીરણ-૨ બંધ સુધી પહોંચે છે. આ આયોજન હેઠળ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાના ૩૫ જળાશયોની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. (મુખ્ય ડેમ હીરણ-૧ અને ૨, ઓઝત-૨, ઓઝત-વેર પ્રોજેક્ટ, ધ્રાફડ, મધુવંતી, શિંગોડા, રાણાવાવ, કાલીન્દ્રી અને અમીપુર).
ત્રણ તબક્કાની સફરઃપ્રથમ તબક્કો આ પ્રારંભિક ચરણમાં ૨૩૧ કિમી લંબાઈની ટ્વીન પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરીને ૧૬ જળાશયો દ્વારા આશરે ૧,૬૬,૦૦૫ એકરમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. તેમજ ૫ મહત્વના જળાશયો થકી ૪ શહેરી વિસ્તારો અને ૪૯૦ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું.
બીજો તબક્કો સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૫૭ જળાશયોમાં નર્મદાના નીર વહાવીને ૩,૭૭,૮૫૧ એકર વિસ્તારમાં સિંચાઈ વધુ સુદૃઢ કરાઈ અને આ સાથે ઘરગથ્થુ વપરાશ માટે અંદાજે ૮૦ લાખની જનમેદનીને પાણી સુલભ કરાવવામાં આવ્યું.
ત્રીજો તબક્કો આ અંતિમ ચરણમાં બાકી રહેતા કુલ ૪૨ જળાશયોને જોડવાની અતિ જટિલ કામગીરી હાથ ધરાઈ, જેના લીધે સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના જળાશયો મારફતે વધુ ૨,૮૧,૦૧૬ એકર જમીનમાં હરિયાળી ક્રાંતિના મંડાણ થયા.
પાણી વિતરણના આંકડા અને સુખદ પરિણામોઃયોજનાની શરૂઆતથી લઈને ચાલુ વર્ષ મે-૨૦૨૬ સુધીમાં, છેલ્લા ૯ વર્ષ દરમિયાન ૨૫ મુખ્ય પમ્પિંગ સ્ટેશન અને ૮ ફીડર પમ્પિંગ સ્ટેશનોના અવિરત પરિશ્રમથી સૌરાષ્ટ્રના ૧૦૧ જળાશયો, ૨૧૦ ગ્રામ તળાવો અને ૧૬૦૦ જેટલા ચેકડેમોમાં અંદાજીત ૧,૪૩,૯૯૦ મિલિયન ઘન ફૂટ નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. જેના પરિણામે અંદાજે ૭ લાખ એકર જમીન લીલીછમ બની છે અને ૮૦ લાખથી વધુ લોકોને પીવાના મીઠા પાણીની ભેટ મળી છે.
ગૌરવની વાત એ છે કે, આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના મુખ્ય જળસ્ત્રોત સમાન આજી-૧, ન્યારી-૧, વેરી તળાવ, રણજીતસાગર, કૃષ્ણસાગર, બોર તળાવ અને આલણસાગર જેવા જળાશયોમાં માત્ર પીવાના પાણી માટે જ કુલ ૨૦,૪૬૦ એમ.સી.એફ.ટી. પાણી છોડાયું છે. પરિણામે રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા મહાનગરો તેમજ તેની આસપાસના સેંકડો ગામડાઓની ઉનાળાની આકરી પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. ‘‘સૌની યોજના‘‘ એ માત્ર પાણી વહેવડાવતી પાઇપલાઇન નથી, પણ તે સૌરાષ્ટ્રના આત્મસન્માન, સમૃદ્ધિ, વિશ્વાસની, વિકાસની અને જનકલ્યાણની લોકભાગીદારી દર્શાવે છે.

