મોતનું સાચું કારણ જાણવા માટે ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવ્યું
Rajkot તા.૧૭
શહેરના રૈયા રોડ પર આવેલા કનૈયા ચોકની જ્ઞાનજીવન સોસાયટીમાં ૨૨ વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાનું અને ઊલટી થયા બાદ સવારે તે બેભાન અવસ્થામાં મળી આવી હોવાનું તેના પતિએ જણાવ્યું છે. પોલીસે બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રૈયા રોડ કનૈયા ચોક જ્ઞાનજીવન શેરી નં. ૩માં રહેતી હેમાદ્રી યશભાઈ સોલંકી (ઉ.વ. ૨૨) ગઈકાલે બપોરે તેનો પતિ યશ સોલંકી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. પતિના જણાવ્યા અનુસાર, હેમાદ્રીને હરસની બીમારી સબબ સારવાર ચાલુ હતી. સોમવારે રાત્રે અચાનક તેણીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને રાત્રે જાગીને તેણીએ ઊલટી પણ કરી હતી. જે બાદ સવારે સાડા નવેક વાગ્યે જ્યારે તેને ઉઠાડવા જતાં તે જાગી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઈ એ.બી. ચાવડા સહિતનો સ્ટાફ તાકીદે હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.
૨૨ વર્ષની પરિણીતાનું આ રીતે અચાનક મોત થતાં બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે તાત્કાલિક મૃતક હેમાદ્રીના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. મોતનું સાચું કારણ જાણી શકાય તે માટે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાનો નિર્ણય લીધો હતો. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

