“હું દશામાનો ભુવો છું” કહી ધૂણવાનું શરૂ કરી સળગતો ઘાસનો પૂળો ફેંકતા મોત નીપજયુ તુ: માસા અને ભત્રીજો નિર્દોષ
Jasdan,તા.04
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે નિલેશ કાળુ કટારા ને મનુષ્ય સાપરાધ વધના ગુનામાં આજીવન કેદની સજા અને 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે બે શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ ૨૦૨૦માં જસદણ તાલુકાના વીરનગર ગામે રહેતા ભરતભાઈ રૂપારેલીયા ની વાડીમાં રહી મજૂરી કામ કરતા અને મૂળ મહીસાગર જિલ્લાના વતની પંકજ ભાણાભાઈ ચંદાણા નામના યુવાન પોતાના બહેન, બનેવી સહિત પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્યારે બનેવી મુકેશનો ભત્રીજો નિલેશ કટારાએ કહુ કે”હું દશામાનો ભુવો છું” તેમ કહી ધૂણવાનું શરૂ કર્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે ઉર્મિલાબેને માતાજીના મંત્રો લઈ લીધા છે. તમો તેની પાસેથી મંત્રો અપાવો નહિતર આપણને બધાને પતાવી દેશે તેમ કહી મુકેશ કટારા અને સતીષએ ઉર્મિલાબેનને પકડી રાખી માર માર્યો હતો. દરમિયાન, નિલેશ કટારાએ બાજુમાં પડેલો મકાઈનો પૂળો સળગાવીને ઉર્મિલાબેન પર ફેંકતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન ઉર્મિલાબેન નું મોત નીપજ્યું હતું. આટકોટ પોલીસે મૃતક ઉર્મિલાબેન ના પતિ પંકજ ભાણાભાઈ ચંદાણા ની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવતા જેમાં સરકાર પક્ષ દ્વારા નજરે જોનાર ફરિયાદી સાહેદ તબીબ અને મૃતકનું ડીડી લેનાર નાયબ મામલતદાર તેમજ સ્વતંત્ર સાહેદોને અને પોલીસ પંચો મળી કુલ 15 સાક્ષીઓની સોગંદ ઉપર જુવાની લેવામાં આવેલી હતી અને 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બાદ સરકારી વકીલ તરુણભાઈ માથુર દ્વારા બનાવને અનુસંધાને કરેલી કાયદાકીય દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ અધિક સેશન્સ જજ એક. કે.
શાહ એ નિલેશ કાળુ કટારા ને કલમ 304 પાર્ટ (1) ના ગુનામાં આજીવન કેદની સજા અને 25000 દંડ ફટકાર તો હુકમ કર્યો છે. જ્યારે મુકેશ નાથુ કટારા અને સતીશ સાવનજી ઠાકોરને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં મુકેશ નાથુભાઈ કટારા વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી,વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ એમ. જાડેજા અને લીગલ આસિસ્ટન્ટ તરીકે જયદીપ ડી. ગઢીયા જ્યારે સતીશ ઠાકોર વતી એડવોકેટ તરીકે બલરામ પંડિત મોતીભાઈ સિંધવ વી જે ગોસ્વામી ધારા પંડિત અને આસિસ્ટન્ટ તરીકે એમ આર સોલંકી રોકાયા હતા

