Ambaji ,તા.૨૬
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના વહીવટ અને માલિકી હકને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દાંતા મહારાજા દ્વારા કરવામાં આવેલી તમામ માંગણીઓ અને અરજીઓને નામંજૂર કરી દીધી છે. આ ચુકાદાથી અંબાજી મંદિર ટ્રસ્ટને મોટી રાહત મળી છે અને વહીવટી પારદર્શિતા પર મહોર વાગી છે.
દાંતા મહારાણા દ્વારા અંબાજી મંદિરના વહીવટ, માલિકી હક અને આવકના હિસાબ અંગે કોર્ટમાં દાદ માંગતા કેટલીક મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં મંદિર અને તેની મિલકતોમાંથી થતી આવક, નફો અને ચઢાવાનો સંપૂર્ણ હિસાબ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે તથા જો કોઈ બાકી રકમ નીકળે, તો તે મહારાણાને ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ટ્રસ્ટ કોઈ પણ મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર ન કરી શકે તેવો મનાઈહુકમ આપવાની અને મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા કોઈ ‘રીસીવર’ (યોગ્ય વ્યક્તિ) ની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
નામદાર કોર્ટે આ તમામ દલીલોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. ૩૦ જૂન ૨૦૨૨ના મહત્વના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે મંદિર ટ્રસ્ટનો વહીવટ કાયદેસર છે. કોર્ટે માત્ર અરજી નામંજૂર જ નથી કરી, પરંતુ દાંતા મહારાજાને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે રકમ કોર્ટમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા આદેશ આપ્યો છે.
આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને દાંતા મહારાજાએ પાલનપુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. જોકે, ત્યાં પણ કોર્ટે તેમના દાવાને માન્ય રાખ્યો નહીં અને ફરી એકવાર અરજી ફગાવી દીધી હતી.
કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી અંબાજી મંદિર ટ્રસ્ટની સ્થિતિ કાનૂની રીતે અત્યંત મજબૂત થઈ છે. હવે મંદિરના વહીવટ અને સંચાલન પર કોઈ અનિશ્ચિતતા રહી નથી. ભવિષ્યમાં આવા કોઈ પણ વિવાદ માટે આ કેસ એક ‘નઝીર’ (ઉદાહરણ) તરીકે જોવામાં આવશે. ભક્તો અને ટ્રસ્ટ માટે આ સમાચાર રાહત લાવનારા છે, કારણ કે હવે મંદિરના વિકાસ કાર્યોમાં કોઈ કાનૂની અવરોધ રહેશે નહીં.

