New Delhi ,તા.10
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ સમક્ષ સવાલ એ છે કે, શું ફાસ્ટ બોલર આકાશદીપને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈએ ?
બ્રિસ્બેન પિચ
બ્રિસ્બેનની ગાબા પિચ હંમેશાં ઝડપી બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ નિર્ણય ભારતીય ટીમની રણનીતિ અને સંતુલન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગાબા પિચ તેનાં ઉછાળા અને ઝડપ માટે પ્રખ્યાત છે.
અહીંનું હવામાન પણ ઝડપી બોલરો માટે અનુકૂળ છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સ આ પિચ પર પોતાની સ્વિંગ અને બાઉન્સથી બેટ્સમેનોને ઘણીવાર પરેશાન કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અહીં સ્પિન બોલરોની ભૂમિકા મર્યાદિત રહી છે, જ્યારે ઝડપી બોલરોનો દબદબો રહ્યો છે.
આકાશદીપની ક્ષમતાઓ
આકાશદીપ ઘરઆંગણાની ક્રિકેટ અને આઇપીએલમાં તેની ઝડપી ગતિ અને લાઇન-લેન્થ માટે જાણીતો છે. તેણે રણજી ટ્રોફીમાં બંગાળ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની સરેરાશ ઝડપ 140-145 કિમી/કલાક છે અને તે નવાં બોલ સાથે સ્વિંગ કરવામાં સક્ષમ છે.
આવી સ્થિતિમાં આકાશદીપને તક આપવાથી બુમરાહ અને સિરાજનો બોજ તો હળવો થશે જ પરંતુ તેનાથી યુવા ફાસ્ટ બોલરનો આત્મવિશ્વાસ પણ વધશે. વધુમાં, તે એક નવાં વિકલ્પ તરીકે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરી શકે છે, જેઓ હજુ તેની બોલિંગ શૈલીથી પરિચિત નથી.
વ્યૂહરચના
ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ જેવાં બેટ્સમેન ઝડપી બોલરોને રમવામાં માહિર છે. પરંતુ હેડ સિવાય અન્ય ખેલાડીઓ નવાં બોલ પર સ્વિંગ અને બાઉન્સ સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યાં છે. આકાશદીપ સીમને નિયંત્રિત કરવામાં નિષ્ણાત છે. તે આવાં બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આકાશદીપનું પ્રદર્શન
આકાશદીપ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. આકાશદીપ નવાં બોલ સાથે સ્વિંગ કરવામાં એક્સપર્ટ છે સાથે તેનાં બાઉન્સર અને યોર્કર પણ ખૂબ અસરકારક છે. તેનાં મુખ્ય આંકડાઓ આ મુજબ છે…
આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ
મેચ :- 05
વિકેટ :- 10
ઈકોનોમી :- 3.73
સર્વ શ્રેષ્ઠ :- 3/83
સરેરાશ :- 25.80
પ્રથમ સિરિઝ (રણજી)
મેચ :- 36
વિકેટ :- 123
ઈકોનોમી :- 3.07
સર્વ શ્રેષ્ઠ :- 6/60
સરેરાશ :- 22.98

