Dubai,તા.09
ભારતીય ઝડપી બોલર બુમરાહે બુધવારે જારી કરાયેલી તાજેતરની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તે 908 ની શ્રેષ્ઠ રેટિંગ સાથે બોલરોની યાદીમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલાં 907 પોઈન્ટ સાથે કોઈપણ ભારતીય બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ આઇસીસી રેન્કિંગ રેટિંગનો રેકોર્ડ ધરાવતાં બુમરાહે એસસીજી ખાતે પ્રથમ દાવમાં બે વિકેટ લીધાં બાદ તેની રેટિંગમાં એક પોઈન્ટનો સુધારો કર્યો હતો.
ડાબોડી સ્પિનર જાડેજા ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ સાથે સંયુક્ત રીતે નવમાં સ્થાને પહોંચી ગયો છે. તે બુમરાહની સાથે ટોપ 10માં બીજો ભારતીય બોલર છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેન્ટ કમિન્સ બીજા સ્થાને પહોંચી ગયાં છે. દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડ બે સ્થાન નીચે ચોથા સ્થાને છે.
રિષભ પંત બેટિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને નવમાં સ્થાને પહોંચી ગયાં છે. યશસ્વી જયસ્વાલે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડનો જો રૂટ ટોપ પર યથાવત છે. આફ્રિકાનાં કેપ્ટન ટેમ્બા બાવુમા 769 ની રેટિંગ સાથે છઠ્ઠાં સ્થાને પહોંચી ગયાં છે.
જસપ્રીત તમામ ફોર્મેટનો શ્રેષ્ઠ ઝડપી બોલર ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરાયેલાં ભારતનાં સ્ટાર જસપ્રિત બુમરાહને તમામ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણાવ્યો છે. બુમરાહે 32 વિકેટ લીધી, જે ઓસ્ટ્રેલિયામાં વિદેશી ફાસ્ટ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ક્લાર્કે કહ્યું કે, જ્યારે સિરીઝ પૂરી થયાં બાદ મેં બુમરાહના પ્રદર્શન વિશે વિચાર્યું તો મને લાગે છે કે તે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે.
તેમણે કહ્યું, હું કર્ટલી એમ્બ્રોઝ, ગ્લેન મેકગ્રા સહિત ઘણાં મહાન ઝડપી બોલરોને જાણું છું. જેમને ટી-20 ક્રિકેટ રમવાની તક મળી નથી. તેથી જ હું તેમનાં વિશે વાત નથી કરી રહ્યો. પરંતુ આ તમામ ફોર્મેટમાં રમનાર ઝડપી બોલર જો જોવામાં આવે તો બુમરાહ સર્વશ્રેષ્ઠ હશે. પરિસ્થિતિ ગમે તે હોય, ફોર્મેટ ગમે તે હોય બુમરાહ શાનદાર ખેલાડી છે.

