શિવમ મજેઠીયાએ રૂ.૪,૧૦ લાખની દોઢી રકમનું વળતર ફરિયાદીને ચૂકવવા આદેશ
Rajkot,તા.31
શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલા ‘મજેઠીયા સ્ટોર’ ના નામે વેપાર કરતા શિવમ વિજયભાઈ મજેઠીયાને ચેક રિટર્ન કેસમાં અદાલતે એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમનું દોઢી વળતર ચૂકવવાનો કડક હુકમ ફરમાવ્યો છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેર નીલેશકુમાર મહેશ્વરીએ મિત્રતાના દાવે પ્રહલાદ પ્લોટ વિસ્તારના ‘મજેઠીયા સ્ટોર’ ના નામે વેપાર કરતા શિવમ વિજયભાઈ મજેઠીયાને રૂ. ૪,૧૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા. નીલેશકુમાર મહેશ્વરીએ રકમ પરત માંગતા શિવમ મજેઠીયાએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરતા તે લેણી રકમ વસૂલ થયા વગર જ પરત ફર્યો હતો. ચેક પરત ફર્યા બાદ નીલેશકુમાર મહેશ્વરીએ નાણાં પરત મેળવવા માટે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. બાદ કેસની સુનાવણી દરમિયાન આરોપીની સતત ગેરહાજરીના સબબથી અદાલતમાં સંપૂર્ણ કેસ એકતરફી ચાલ્યો હતો.આ કેસમાં રજૂ થયેલા પુરાવાઓ અને હકીકતોને ધ્યાને લઈને મેજિસ્ટ્રેટ આરોપી શિવમ વિજયભાઈ મજેઠીયાને કસૂરવાર ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમનું વળતર ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.ફરિયાદી નિલેશકુમાર મહેશ્વરી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હાર્દિક એન. મહેતા, અભય એચ. ખખ્ખર અને કપીલ જી. કોટેચા રોકાયેલા હતા.

