Vadnagar, તા.2
વડનગરની ઐતિહાસિક ધરા પર દરરોજ ‘શ્રાવણ ઉત્સવ-2026’ ના ઉપલક્ષમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય અને દિવ્ય ‘ડમરૂ યાત્રા’નું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આજની ડમરૂં યાત્રામાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને શ્રદ્ધાપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. આ સમૂહ યાત્રાએ સમગ્ર વડનગરને શિવમય વાતાવરણમાં તરબોળ કરી દીધું હતું અને શ્રાવણ માસની આસ્થાને વધુ પ્રગાઢ બનાવી હતી.
આજે વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિરથી આ યાત્રાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમૂહ યાત્રાનું મુખ્ય આકર્ષણ 108 કલાકારો દ્વારા કરવામાં આવેલું સમૂહ ડમરૂ વાદન હતું, જેના નાદથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું.
આ યાત્રા નિર્ધારિત રૂટ મુજબ નીલકંઠ મહાદેવથી નીકળી સાકેત સોસાયટી, સરકારી લાયબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલ્વે સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રાનું ભવ્ય સમાપન પવિત્ર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિક અને ધાર્મિક મહોત્સવમાં લોકભાગીદારીનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ ડમરુ યાત્રામાં માત્ર સ્થાનિક રહેવાસીઓ જ નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો વિશેષ રૂપે જોડાયા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ પ્રસંગે શિવભક્તો સાથે જોડાઈને ભક્તિમય માહોલમાં સહભાગી થયા હતા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવે વડનગરના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક પરંપરાને નવી ઊંચાઈ બક્ષી છે.
યાત્રાના અંતમાં મંત્રીએ હાટકેશ્ર્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને શિવભક્તો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

