Palanpur ,તા.૯
પાલનપુર શહેરમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લોભામણી જાહેરાતો આપી અંદાજે ૧૪૦ જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ આ ઠગાઈ કેસમાં સામેલ એક યુવકને પકડી પાડી પોલીસ મથકે પહોંચતા સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આ મામલે ફરાર એક વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પાલનપુર શહેરમાં છેતરપિંડી આચરવા આરોપીએ ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા હતા. ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ નામે પત્રિકાઓ છપાવી અને વ્હોટ્સએપ મારફતે પાલનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરાવ્યો હતો. આયોજકોએ વડીલો અને મહિલાઓની ધાર્મિક ભાવનાઓને નિશાન બનાવી એવી લાલચ આપી હતી કે, કથામાં બેસનાર દરેક વ્યક્તિને ૭૦૧નું કવર આપવામાં આવશે અને સાત દિવસમાં કુલ ૪,૯૦૭ પરત મળશે. આ સ્કીમના નામે પ્રતિ વ્યક્તિ ૫,૦૦૦ એડવાન્સ વસૂલવામાં આવ્યા હતા.
૨૨ મેના રોજ સવારે હરિદ્વાર જવા માટે બસ રવાના થવાની હતી, પરંતુ તે પહેલા જ આયોજન શંકાસ્પદ જણાયું હતું. ભોગ બનનાર લોકોએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સિદ્ધપુરના એક યુવકને પાવતી બુક સાથે પકડ્યો હતો અને તેને પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સિદ્ધપુરનો નરેન્દ્રસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. પાલનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીના મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્જેક્શનની વિગતોના આધારે તેની શોધખોળ તેજ કરી છે.

