Gandhinagar,તા.૯
ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓ પર આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ગુજરાતના અંદાજે ૩૫ હજાર અને દેશભરના કુલ ૧૨.૫ લાખ જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે. હડતાલમાં રિટેલર્સ ઉપરાંત હોલસેલર અને ડીલરો પણ ભાગ લેશે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન ફાર્મસી કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે નાના કેમિસ્ટોના વેપાર પર ગંભીર અસર પડી રહી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય રાજ્યોના ડોક્ટરોના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવી દર્દીઓને દવાઓ વેચવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શન વગર જ સાયકોટ્રોપિક સબસ્ટન્સ જેવી સંવેદનશીલ દવાઓ પણ વેચાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કેમિસ્ટ સંગઠનોનું કહેવું છે કે, નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા માર્જિન કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ ઓનલાઈન કંપનીઓ આપી રહી છે. પરિણામે નાના અને મધ્યમ વર્ગના કેમિસ્ટોના વેપારમાં અંદાજે ૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેઓનું માનવું છે કે, આ પ્રકારની ‘પ્રિડેટરી પ્રાઇસિંગ’ની નીતિથી પરંપરાગત મેડિકલ સ્ટોર્સ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે.
કેમિસ્ટોએ વધુમાં ચિંતા વ્યક્ત કરી છે કે, ભારે ડિસ્કાઉન્ટની લાલચમાં બજારમાં નકલી અને સ્પુરિયસ દવાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે.
હડતાલ દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા માનવતાના ધોરણે ઇમરજન્સી કેસોમાં દવા ઉપલબ્ધ રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવશે. જોકે સામાન્ય દૈનિક વ્યવહાર મોટાભાગે બંધ રહેશે.
કેમિસ્ટ સંગઠનોએ સરકાર પાસે માંગણી કરી છે કે, કોરોના કાળ દરમિયાન દવાઓની હોમ ડિલિવરી માટે આપવામાં આવેલી છૂટનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં આવે. સાથે જ ગેરકાયદેસર ઈ-ફાર્મસી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અતિશય નીચા ભાવે દવા વેચાણ રોકવા માટે સ્પષ્ટ નીતિ અમલમાં લાવવામાં આવે.
આ ઉપરાંત નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. કેમિસ્ટ સંગઠનોનું કહેવું છે કે જો સરકાર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

