Jamkandorana. તા.15
જામકંડોરણાના સાજડીયાળી ગામે લગ્નના ફૂલેકા દરમિયાન ધક્કો લાગી જવા બાબતે યુવાનને ગાળો આપી હતી. બાદમાં યુવાનની માતાને પણ ગાળો ભાંડી, યુવાન અને તેના ભાઈને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જામકંડોરણા પોલીસમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈ છે.
બનાવ અંગે જામકંડોરણાના સાજડીયાળી મેસપર રોડ પર રહેતા બળદેવભાઈ અરવિંદભાઈ પરમાર (ઉ.વ 29) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા કિરીટ વિનુ દાફડા અને વિનુ આલા દાફડાના નામ આપી જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત બુધવારે રાત્રિના બે વાગ્યા આસપાસ ઘર પાસે લગ્નના ફૂલેકા દરમિયાન ફરિયાદીના નાના ભાઈને આરોપી કિરીટને ભૂલથી ધકો લાગી જતા તેણે ગાળો આપી હતી. બાદમાં કિરીટ તથા વિનુ બંને ફરિયાદીના માતાને પણ ગાળો આપી ફરિયાદી અને તેના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપી વિનુએ લાકડી લઈ ફરિયાદીને માથાના ભાગે લાકડીનો ઘા મારી દીધો હતો તેમજ તેના નાના ભાઈને પણ લાકડી વડે માર માર્યો હતો.
દરમિયાન લોકો એકત્ર થઈ જતા બંને ભાઈઓને બચાવ્યા હતા. દરમિયાન આ બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવાનની ફરિયાદ કરતી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કવાયત આદરી હતી.

