Ambaji,તા.૩
ગુજરાતમાં બે અલગ-અલગ સ્થળોએ માર્ગ અકસ્માતની ગંભીર ઘટનાઓ સામે આવી છે. સુરતમાં રિક્ષા પલટી જતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે અંબાજીમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કર ચાલકનું મોત થયું છે.
સુરતના અઠવા ગેટ વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર પસાર થઈ રહેલી એક રિક્ષા અચાનક અકસ્માતનો ભોગ બની હતી અને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનામાં રિક્ષાચાલક અને રિક્ષામાં બેઠેલા મુસાફરને ઈજા પહોંચી હતી. બંનેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ અકસ્માતનું કારણ તપાસી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં વધુ એક ગંભીર અકસ્માત બન્યો છે. અંબાજીના શિવા અંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર બેકાબૂ બનેલી ઈકો કારની અડફેટે સીએનજી ટેન્કર ચાલકનું કરુણ મોત થયું છે. માહિતી મુજબ ટેન્કરમાંથી ગેસ ઉતારવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ ઓફિસની બહાર ખાટલા પર બેઠા હતા. તે દરમિયાન સીએનજી ભરાવવા આવેલી ઈકો કાર અચાનક બેકાબૂ બની ધડાકાભેર ખાટલા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજેન્દ્રસિંહને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
મૃતકના પુત્ર દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈકો કાર કેવી રીતે બેકાબૂ બની અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત બાદ પેટ્રોલ પંપ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો : હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના મોતને લઈને પરિવારના ગંભીર આક્ષેપ, ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ ગુજરાતમાં એક જ દિવસે સામે આવેલી આ બંને અકસ્માતની ઘટનાઓ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને સાવચેતીના મહત્વ તરફ ધ્યાન દોરે છે. સુરતમાં રિક્ષા પલટી જતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અંબાજીમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે ઝ્રદ્ગય્ ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહનું મોત થયું છે. બંને ઘટનાઓમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

