એનએસઈના શેરોમાં રોકાણ કરવાના નામે નાણાં મેળવી લઈ શેરો કે નાણાં પરત નહીં આપી ઠગાઈ કરતાં ગુનો દાખલ કરાયો
Anand, તા.૯
આણંદના મહિલા પ્રોફેસર તેમની બહેન તેમજ કંપનીમાં નોકરી કરતી મહિલાને એનએસઈના શેરોમાં રોકાણના બહાને રૂ.૪૫.૧૩ લાખ મેળવી લઈ શેરો ખરીદી કરી નહીં આપી છેતરપિંડી કરાઈ હતી. આ અંગે નડિયાદ ખાતે રહેતી અને કલ્પદ્્રુમ ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતી મહિલા વિરુદ્ધ આણંદ શહેર પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.આણંદ શહેરમાં જ્ઞાનદીપ સોસાયટી નેહરુ બાગ પાસે ૬૦ વર્ષીય નીનાબેન હરેશચંદ્ર પંડ્યા રહે છે અને આણંદ શહેરની આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. સાત વર્ષ અગાઉ નીનાબેનની મુલાકાત નડિયાદ ખાતે રહેતા રૂષિત મુકેશભાઈ શાહ સાથે થઈ હતી અને રૂષિત શાહે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જેથી નીનાબેને રૂષિતભાઈની સલાહ મુજબ રોકાણ કરતા સારું વળતર મળતા નીનાબેને પોતાની બહેન સપનાબેનને વાત કરતાં સપનાબેને પણ રૂષિતભાઈ સાથે ચર્ચા કરીને તેમની સલાહ મુજબ જે.એમ. ફાઇનાન્સ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને શેરમાર્કેટમાં રોકાણ કરતા હતા.ગત એપ્રિલ ૨૦૨૫માં રૂષિતભાઈએ બંને બહેનોને ફોન તેમજ વોટ્સએપના માધ્યમથી જણાવ્યું હતું કે, એનએસઈના શેર લોન્ચ થવાના છે જે ખૂબ જ સારું વળતર આપશે. જેમાં રૂ.૧૪ લાખનું રોકાણ કરવું પડશે, જેથી નીનાબેન રોકાણ કરવા માટે સહમત થયા હતા અને તારીખ ૯-૪-૨૦૨૫ના રોજ રૂ.૧૪ લાખ આરટીજીએસ મારફતે આપવામાં આવ્યા હતા. સપનાબેન રાધેશ્યામ શર્માએ તારીખ ૨-૪- ૨૫ના રોજ રૂ ૧૪.૨૫ લાખ, તારીખ ૨૩-૫-૨૫ના રોજ રૂ ૫ લાખ તારીખ ૩-૪-૨૫ના રોજ સપનાબેનના પુત્ર સારંગ શર્માએ પણ રૂ.૨.૬૦ લાખનુ રોકાણ કર્યું હતું.આ ઉપરાંત રૂષિતભાઈની સાથે નોકરી કરતા અને આણંદમાં રહેતા દિપાલીબેન નીરવભાઈ વાઘેલાએ પણ રૂ.૯.૨૮ લાખનું રોકાણ કરવા માટે આપ્યા હતા. ત્યારબાદ કલ્પદ્્રુમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા શેરનું લીસ્ટીંગ હજુ થયું નથી તેમ જણાવીને તેમાં ૩૫૦૦ ટકા જેટલું પહેલું ડિવિડન્ડ મળવાનું છે, જે તમારા ડિમેટ એકાઉન્ટમાં આવશે તેવી ખાતરી રૂષિતભાઈ શાહે આપી હતી.આ પછી તારીખ ૨૪-૫-૨૦૨૫ના રોજ રૂષિતભાઈ શાહનું કેનેડા મુકામે અવસાન થયું હતું. જેથી રૂષિતભાઈના માતા કલ્પદ્્રુમ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ભાવનાબેન મુકેશભાઈ શાહનો સંપર્ક કરીને નીનાબેન સહિતના લોકોએ રોકાણ બાબતે પૂછપરછ કરતાં ભાવનાબેન શાહે શેર ખરીદવામાં આવ્યા છે અને તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ આજદિન સુધી શેર કે રોકાણ કરવા માટે આપેલા રૂ.૪૫.૧૩ લાખની રકમ ભાવનાબેને પરત આપી ન હતી.આ બનાવ અંગે નીનાબેન હરિશ્ચંદ્ર પંડ્યાએ આણંદ શહેર પોલીસમથકમાં કલ્પદ્્રુમ ઇન્વેસ્ટમેન્ટના પ્રોપરાઈટર ભાવનાબેન મુકેશભાઈ શાહ (રહે. સ્નેહપાર્ક સોસાયટી, વૈશાલી ટોકીઝ પાસે, નડિયાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

