જીપીઆઇડી એકટના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
Rajkot,તા.09
શહેરમાં ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે. દરમિયાન પેરોલ ફર્લો સ્કોવડની ટીમે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીપીઆઇડી એકટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં સાત મહિનાથી ફરાર દંપતીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઇ પેરોલ ફર્લો સ્કોવડના પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.તેરૈયા તથા તેમની ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયત્નશીલ હતી. દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીપીઆઇડી એક્ટના ગુનામાં છેલ્લા છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી સાજીદ સિરાજભાઈ મુલતાની (ઉ.વ. 29 રહે. મવડી) ને ઝડપી લીધો હતો. હાલમાં ઝડપાયેલા આરોપી સહિતનાઓએ રોકાણ પર ઉચા વળતરની લાલચ આપી રોકાણકારોની મોટી રકમ ઓળ આવી ગયા હતા. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. 10/2/2025 ના ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પેરોલ ફર્લો સ્કોવડની ટીમે અન્ય એક કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના બે અલગ અલગ ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપી નિકુંજ વિનોદભાઈ ત્રિવેદી (ઉ.વ. 34 રહે. વિનાયક વાટિકા જામનગર રોડ રાજકોટ, હાલ પટેલ કોલોની શેરી નંબર 9 જામનગર) અને તેની પત્ની મિત્તલ નિકુંજભાઈ ત્રિવેદી (ઉ.વ. 33) ને જામનગરથી ઝડપી લઈ યુનિવર્સિટી પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે. આ દંપતી સામે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બે અલગ અલગ ગુના નોંધાયા હતા. ઉપરાંત ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

