London,તા.29
યુકેમાં એક દંપતીને પોતાનાં 100 વર્ષ જૂના ઘરમાંથી એક ગુપ્ત રૂમ મળી આવ્યો જેમાં ખજાનો છુપાયેલો હતો. 34 વર્ષની લીઝા અને તેના પતિ ડેન રજાઓમાં પોતાનાં પૈતૃક ઘરે ગયા હતા.
આ ઘર લાંબા સમયથી બંધ હતું અને તેઓ બંને શહેરમાં રહેવા લાગ્યા હતા. સાફ-સફાઈ દરમિયાન તેમને ભોંયતળિયા (ફ્લોર) પર એક જગ્યાએ ઈંટ ઊંચી થયેલી દેખાઈ તો તેમણે તેને હટાવી. અંદર એક રૂમ જેવું દેખાયું. ત્યારબાદ બંનેએ તેને ખોલવાનો નિર્ણય કર્યો.
એક દીવાલ તોડ્યાં પછી તેમને પોતાનાં જ ઘરમાં એક ગુપ્ત રૂમ મળ્યો. આ રૂમમાં ચારે બાજુ કોલસો જ કોલસો દેખાઈ રહ્યો હતો. બંનેએ વિચાર્યું કે જૂનો રૂમ છે તો તેની સાફ-સફાઈ કરી દેવામાં આવે.
કોલસો સાફ કરતી વખતે તેમને એક ટીનનો ડબ્બો મળ્યો જેમાં કાટ લાગેલો હતો. તેમણે વિચાર્યું કે નકામો જૂનો ડબ્બો છે અને તેમાં પણ કોલસો જ ભરેલો હશે. આથી બંનેએ તેને એક બાજુ મૂકી દીધો.
ડેને જણાવ્યું કે ડબ્બામાંથી એમોનિયા જેવી ગંધ આવી રહી હતી અને તેથી તેને ખોલ્યો જ નહોતો. કેટલાય મહિનાઓ સુધી ડબ્બો એમ જ પડેલો રહ્યો. એક દિવસ બાળકોએ આ ડબ્બો ખોલવાની જીદ કરી તો પતિ-પત્નીએ મળીને તેને ખોલ્યો. ડબ્બો ખોલતી વખતે એમોનિયાની ગંધ આવવાને કારણે બંનેને ડર પણ લાગી રહ્યો હતો.
તેથી હાથથી નહીં પરંતુ કેટલાક ઓજારોની મદદથી ડબ્બો ખોલવામાં આવ્યો.
ડબ્બો ખુલ્યો તો તે બંનેનાં હોશ ઊડી ગયા. આ ડબ્બામાં હજારો યુરોની નોટો રાખેલી હતી. આ નોટો 1970ના સમયની હતી. કોઈને એવી આશા નહોતી કે આ ડબ્બાની અંદર પૈસા હશે. ડેને કહ્યું, “મારા બાળકો માટે આ હંમેશાં યાદગાર રહેશે.”
લીઝાએ કહ્યું કે તેમને એકદમ સાચા સમયે આ ખજાનો મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના પતિનું કામ સરખું નહોતું ચાલી રહ્યું અને આવી પરિસ્થિતિમાં તેઓ આર્થિક તંગી સામે ઝૂમી રહ્યા હતા. આ પૈસાનો ઉપયોગ તેઓ પોતાનો બિઝનેસ વધારવામાં કરી શકે છે.
ઈંગ્લેન્ડમાં આ પ્રકારનાં ઘણાં બધાં ઘરો છે જે વર્ષોથી બંધ પડેલાં છે. દરેક ગામમાં તમને એવા ઘરો મળશે જે 100 વર્ષથી પણ વધુ જૂના છે અને તેમાં રહેવાવાળું કોઈ નથી. અહીં ઘણા બધા ઘરોમાં ગુપ્ત ભોંયરા બનેલાં છે. આજે પણ જ્યારે ઘરો ખોલવામાં આવે છે અને તેમાં ગુપ્ત રૂમો શોધવામાં આવે છે, ત્યારે ઘણી બધી જૂની અને હેરાન કરી દે તેવી વસ્તુઓ મળી આવે છે.

