New Delhi, તા.29
સંસદમાં ગઈકાલે પેપર લીકેજ વિરોધી સુધારા કાનુનની ચર્ચા સમયે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીના ગુજરાત રમખાણ કેસ અંગે કરેલા વિધાનો હવે હોટ ટોપીક બની ગયા છે.
આ મુદે શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ ફરિયાદ કરી છે અને પ્રિયંકા ગાંધી સામે કોઈ પગલા લેવા પણ માંગણી કરી છે. જો કે પ્રિયંકાએ જે વિધાનો કર્યા હતા તે અધ્યક્ષે રેકોર્ડ પર લીધા નથી અને સંસદની અંદર સભ્યો જે વિધાનો કરે છે તેની સામે કોઈ કાનુની કાર્યવાહી થઈ શકતી નથી પરંતુ અધ્યક્ષને આ અંગે સતા છે.
પ્રિયંકાએ તેમના ભાષણમાં ગુજરાત રમખાણના બિલ્કીશ બાનુ દુષ્કર્મ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં તે સમયે હાલના મંત્રી પ્રહલાદ જોશીએ કેટલાક વિધાનો કર્યા અને તેમને દુષ્કર્મ કરનારનો બચાવ કર્યો હતો તેવું પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું અને એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે આવી માનસીકતા ધરાવતી વ્યક્તિને સરકારમાં શિક્ષણમંત્રી બનાવાયા છે જેના પગલે ગૃહમાં ભારે હોહા થઈ હતી અને અધ્યક્ષે આ વિધાનો રેકર્ડ પર લીધા નથી પણ પ્રહલાદ જોશીએ આ અંગે અધ્યક્ષ સામે ફરિયાદ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાના વિધાનોની પુષ્ટિ કરતા દસ્તાવેજો પણ રજુ કર્યા છે અને તેમણે આજે કહ્યું હતું કે મે જે કહ્યું તે સત્ય છે અને તે કહેવા માટે કોઈ સજા થાય તો પણ હું તૈયાર છું.પ્રહલાદ જોશી ઈચ્છે છે કે, પ્રિયંકા ગાંધી તેમના વિધાનો બદલ માફી માંગે. બિલ્કીશ બાનુ કેસ ગુજરાતના રમખાણ સમયનો હતો અને ખુબ ચગ્યો હતો.

