શ્રી શિવ આશીષ ક્રેડિટ કોઓ. સોસાયટીને ૯% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હુકમ
Rajkot તા.૧૫
શ્રી શિવ આશીષ ક્રેડિટ કોઓ. સોસાયટી લિ. માંથી લીધેલી લોન ભરપાઈ માટે આપેલો ચેક અપૂરતા નાણાંને કારણે પરત ફરવાના ગુના નો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ૧ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચેકની રકમ ૯% વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવાનો પણ આદેશ કર્યો છે.કેસની વિગત મુજબ, શહેરના મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમા રહેતા નિલેશ શિવજીભાઈ મજેઠીયાએ શ્રી શિવ આશીષ ક્રેડિટ કોઓ. સોસાયટી લિ. માંથી રૂા. ૫૦,૦૦૦ની લોન લીધી હતી. આ લોનની બાકી વસૂલાત પેટે રૂા. ૪૫,૦૦૦ નો ચેક આપ્યો હતો. ચેક બેંકમાં રજૂ કરાતા ખાતામાં અપૂરતા ભંડોળના કારણે ચેક રીટર્ન થયો હતો. સોસાયટી દ્વારા નોટિસ આપવા છતાં નિલેશ મજેઠીયાએ રકમ ચૂકવી ન હતી. સોસાયટીને નાણાં પરત ન મળતા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર યશ સોજીત્રાએ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ વિશ્વાસ અને ખાતરી આપીને ચેક આપ્યો હોવા છતાં તેનો ભંગ કરીને ગંભીર ગુનો આચર્યો છે.
કેસની સુનાવણી દરમિયાન સોસાયટી તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા, સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ અને એડવોકેટની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી અદાલતે હાલના સમયમાં ચેક રીટર્નના ગુનાઓ વધી રહ્યા છે જેને ગંભીરતાથી લેવા જરૂરી છે. લોન પેટે નાણાં મેળવી પરત ન કરવાનો બદઇરાદો રાખનારા અને કાયદાનું ખોટું અર્થઘટન કરનારાઓને હળવાશથી ન લઈ શકાય. આથી નિલેશ મજેઠીયાને એક વર્ષની સજા અને ૯ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. શિવ આશીષ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લિ. વતી એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજ સાકરીયા, રીધ્ધી પીલોજપરા અને સહાયકોમાં દિપાલી નકુમ, એશા બુસા અને મહેક ચીકાણી રોકાયા હતા.

