Dhoraji, તા.15
ધોરાજી તાલુકાના, ફરેણી ગામની, સીમની સર્વે નં.2 વાળી એકર 7 -00 ગુંઠા જમીનનો ફરેણી ગામના રહીશ વાલાભાઈ સીદીભાઈ ઝાલા તથા તેજાભાઈ સીદીભાઈ ઝાલાએ ધોરાજીના રહીશ કરસનભાઈ હંસરાજભાઈ શીરોયાને કરી આપેલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજને રદ કરી આ મિલકતનું પાર્ટીશન કરી આપવા માટે ધોરાજીના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પેશિયલ દીવાની કેસ નં. 74/2012 થી દાવો દાખલ કરવામાં આવેલો હતો.
જેમાં મુખ્ય તકરારો એવી લેવામાં આવેલી હતી કે, જમીન મૂળભૂત રીતે સંયુક્ત કુટુંબની હતી અને તેમાં સાસરે ગયેલ તમામ દીકરીઓનો પણ હક સમાયેલો હતો તેમ છતાં માતાના અવસાન બાદ બંને ભાઈઓએ બહેનોની જાણ બહાર વેચાણ દસ્તાવેજ કરી મિલકતનો કબજો સોંપી આપતા ત્રણેય દીકરીઓના હક અને હિતને કાયદાકીય નુકસાન ગયેલ હતું.
જેથી આ ત્રણેય દીકરીઓએ પોતાના બંને ભાઈઓ અને મિલકત ખરીદનાર કરસનભાઈ શીરોયાને પ્રતિવાદી તરીકે જોડીને આ વેચાણ દસ્તાવેજને રદ કરી આ મિલકતનું પાર્ટીશન કરી આપવાની દાદ સાથે દાવો દાખલ કરેલો હતો. જે દાવામાં બંને ભાઈઓએ પોતાની બહેનોએ દાખલ કરેલ દાવાને ગર્ભીત રીતે સમર્થન પણ આપેલું હતું.
જ્યારે આ મિલકત ખરીદ કરનારના વારસોએ ધોરાજીના એડવોકેટ રાહુલ આર. ચૌધરીને વકીલ તરીકે નિયુક્ત કરી દાવાને કોન્ટેસ્ટ કરેલો હતો. જે દાવો ચાલી જતા એડવોકેટ રાહુલ આર. ચૌધરી દ્વારા વાદી તથા વાદીના સાક્ષીઓની કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની ઉલટ તપાસ તેમજ રજુ રાખવામાં આવેલ દલીલો અને તેના સમર્થનમાં રજૂ કરવામાં આવેલા ઉચ્ચ અને સર્વોચ્ચ ન્યાયાલયના જજમેન્ટોને નામદાર ધોરાજીની દીવાની અદાલતે માન્ય રાખી વાદીનો દાવો નામંજૂર કરેલ છે.

