Iran તા.19
ઈરાન હવે હોર્મુજ સ્ટ્રેટ પર માત્ર તેલ-ગેસથી દબદબો સાબીત કરવા નથી માગતુ, બલકે તે સમુદ્રની નીચે પથરાયેલ ઈન્ટરનેટ કેબલોને પણ પોતાની તાકાતના રૂપમાં ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યું છે.
આ એ કેબલ છે, જેનાથી યુરોપ, એશિયા અને ખાડી દેશો વચ્ચે ઈન્ટરનેટ બેંકીંગ અને ડિજિટલ ડેટાનો મોટો ભાગ ચાલે છે. ઈરાને સંકેત આપ્યો છે કે તે હોર્મુજની નીચેથી પસાર થતા આ બધા સી-કેબલોના ઉપયોગના બદલામાં ગુગલ, માઈક્રોસોફટ, મેટા અને એમેઝોન જેવી કંપનીઓ પાસેથી ટેરિફ વસુલવા માંગે છે.
ઈરાની સૈન્ય પ્રવકતા ઈબ્રાહીમ જુલ્ફાધરીએ કહ્યું હતું કે જો કંપનીઓ ટેરિફ નથી આપતી તો ઈન્ટરનેટ ટ્રાફીકને અસર થઈ શકે છે. આ કેબલનું રિપેરીંગ અને મેન્ટેનન્સનો અધિકાર માત્ર ઈરાની કંપનીઓને આપવાની વાત પણ બહાર આવી છે.
સમુદ્રની નીચે પથરાયેલા આ કેબલો દુનિયાની ઈન્ટરનેટ સીસ્ટમની કરોડરજુ માનવામાં આવે છે. જો તેમાં વિધ્ન આવે છે તો તેની અસર માત્ર ઈન્ટરનેટ સ્પીડ પર જ નહીં, બલકે પુરી વૈશ્વિક ડિજીટલ અર્થવ્યવસ્થા પર પડી શકે છે.
ભારતને થઈ શકે છે નુકસાનઃ સુરક્ષાના કારણે મોટાભાગની કેબલો ઓમાન તરફથી પથરાઈ છે, પરંતુ `ફાલ્કન’ અને `જીબીઆઈ’ નામની બે મહત્વની કેબલો ઈરાનના સમુદ્રી ક્ષેત્રમાંથી પણ પસાર થાય છે. જો તેને નુકસાન થયું તે ભારતના આઈટી અને આઉટસોર્સીંગ સેકટરને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.

