Surat , તા. 29
નાણાંકીય વર્ષની સમાપ્તિ પૂર્વે આવકવેરા વિભાગ એકશનમાં આવી જ ગયું છે અને એક પછી એક સર્ચ સર્વે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં ડાયમંડ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગજેરા બંધુ પર દરોડા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગની પણ એન્ટ્રી થઇ છે. ઇડી દ્વારા પણ તપાસમાં ઝુકાવવામાં આવ્યું છે. ભારતના ભાગેડુ મેહુલ ચોકસીનું કનેકશન ખુલ્યાનું બહાર આવ્યું છે.
સુરતમાં હિરા ક્ષેત્રે મોટુ નામ ધરાવતા લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરા તથા ચુનીભાઇ ગજેરા પર આવકવેરા વિભાગે ગઇકાલે સવારથી મેગા દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું જે આજે સતત બીજા દિવસે ચાલુ રહ્યું હતું. ગજેરા બંધુના નિવાસસ્થાન, ઓફિસ સહિતના સ્થળોએ મોટા પાયે તપાસ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી છે.
જેમાં મોટો દલ્લો હાથ લાગવાનું માનવામાં આવી રહ્યું છે. એવી ચર્ચા છે કે ડાયમંડ ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો કરવામાં આવતા હતા અને રોકડની હેરાફેરી અન્ય ખાનગી જગ્યાઓ પરથી કરવામાં આવતી હતી. આવકવેરા વિભાગ દ્વારા રોકડ વ્યવહારોના સ્થળની શોધખોળ કરવામાં આવી રહી છે અને મોટા ખુલાસા થવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.
મોટા પ્રમાણમાં ઝવેરાત મળ્યાનું કહેવાય છે. આ સિવાય રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જંગી રોકાણના દસ્તાવેજો તથા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો દર્શાવતું સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગજેરા બંધુઓ આ ડાયમંડ, રીયલ એસ્ટેટ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં પણ સંકળાયેલું હોવાનું ઉલ્લેખનીય છે. જંગી માત્રામાં કરચોરી પકડાવવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
દરમ્યાન આવકવેરા દરોડા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની પણ તપાસમાં એન્ટ્રી થયાનું બહાર આવ્યું છે. લોન કૌભાંડી અને ભાગેલુ મેહુલ ચોકસી સાથેના કનેકશનનો ખુલાસો થયાની ચર્ચા છે અને તેના આધારે ઇડીની એન્ટ્રી થયાનું માનવામાં આવી રહ્યું છે. આવકવેરા તથા ઇડીની સંયુકત તપાસમાં નવા કડાકા ભડાકા થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

