London, તા. 31
ઓલી રોબિન્સનની ચાર વિકેટ અને સાથી બોલરોના શાનદાર પ્રદર્શનથી ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 195 રનથી હરાવ્યું છે. મેચનાં ચોથા દિવસે રવિવારે આ જીત સાથે જ યજમાન ટીમે ત્રણ ટેસ્ટની સીરીઝમાં 2-0ની અજય સરસાઈ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટ તેણે ઇનિંગ્સથી જીતી હતી. ત્રીજી ટેસ્ટ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામમાં રમાશે.
આ પહેલાં સવારે વરસાદનાં કારણે સતત પડતાં વિઘ્ન વચ્ચે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 389 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી.
તેણે માત્ર 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં શાાન મસૂદ (26) અને સાઉદ શકીલ (97) એ ચોથી વિકેટ માટે 97 રન જોડ્યા હતા. પરંતુ શકીલ આઉટ થયા બાદ કોઈ મોટી ઈનિંગ રમી શક્યું નહીં અને આખી ટીમ 194 રન પર સમેટાઈ ગઈ.
ઓલી ઉપરાંત જોશ ટંગે ત્રણ અને જોફ્રા આર્ચરે બે વિકેટ ઝડપી હતી. ઈજાગ્રસ્ત ઈમામ ઉલ હક બેટિંગ માટે ઉતર્યો નહોતો. પાકિસ્તાને પહેલી ઈનિંગમાં 110 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 290 અને બીજી ઈનિંગમાં 208 રન બનાવ્યા હતાં.
પીસીબીએ ઇમરાન પર નિવેદન આપતાં રોક્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સામેલ પોતાનાં ખેલાડીઓને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન જેલમાં બંધ હોવાના મુદ્દા પર ટિપ્પણી ન કરવાની સલાહ આપી છે.
આ પગલું કેટલાક પાકિસ્તાની ખેલાડીઓને ઉશ્કેરવાના પ્રયાસો બાદ ઉઠાવવામાં આવ્યું છે. બીજી ટેસ્ટના બીજા દિવસે લંચ દરમિયાન પસ્કાય સ્પોર્ટ્સથ પર ઇમરાનના પુત્રોનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા બાદ આ મુદ્દો વધુ ગરમાયો હતો.

