New Delhi તા, 31
ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ ઝડપી બોલરોમાં ગણાતાં અને ‘મૈસૂર એક્સપ્રેસ’ તરીકે જાણીતાં જવાગલ શ્રીનાથ આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. 31 ઓગસ્ટ 1969ના રોજ કર્ણાટકના મૈસૂરમાં જન્મેલાં શ્રીનાથે 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને કપિલ દેવ પછી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન લાંબા સમય સુધી સફળતાપૂર્વક સંભાળી હતી.
તેમણે પોતાનાં 12 વર્ષની કારકિર્દીના કાર્યકાળ દરમિયાન 229 વન-ડેમાં 315 વિકેટ અને 67 ટેસ્ટ મેચમાં 236 વિકેટ ઝડપી હતી. તેઓ ભારત તરફથી વન-ડેમાં 300 વિકેટ મેળવનારા એકમાત્ર ફાસ્ટ બોલર છે.
શ્રીનાથના કરિયરની સૌથી યાદગાર ઘટના 2003 ના વિશ્વકપ સાથે જોડાયેલી છે. 2002 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલાં શ્રીનાથને તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીના ખાસ આગ્રહ બાદ ટીમમાં પાછા લાવવામાં આવ્યાં હતાં.
ગાંગુલીના વિશ્વાસ પર ખરા ઊતરીને શ્રીનાથે 2003 ના વર્લ્ડકપમાં 11 મેચોમાં 16 વિકેટ ઝડપીને ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો. પોતાનાં કરિયરમાં 1992 , 1196 , 1999અને 2003 એમ ચાર વર્લ્ડકપ રમનારા શ્રીનાથે 1999 ના વિશ્વકપમાં પાકિસ્તાન સામે 154.5 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને રેકોર્ડ બનાવ્યો હતો.
આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાં પછી કોચિંગ કે કોમેન્ટ્રીના બદલે તેમણે આઈસીસી (ICC) મેચ રેફરી તરીકેની નવી ઇનિંગ શરૂ કરી હતી અને હાલમાં તેઓ આઈસીસીના સૌથી પ્રતિષ્ઠિત રેફરીઓમાંથી એક છે.
1999માં અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલાં આ પૂર્વ ક્રિકેટર તાજેતરમાં બેંગલુરુ મેટ્રોમાં સામાન્ય મુસાફરની જેમ ટ્રોલી બેગ સાથે સરળતાથી મુસાફરી કરતાં જોવા મળ્યાં હતાં, જે તેમની સાદગી માટે સોશિયલ મીડિયા પર ખુબ વખણાઈ હતી.

