કોઠારિયાના વૃધ્ધના પગ લપસતા ખાણમાં ખાબક્યા
Rajkot,તા.14
શહેરના આજી ડેમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા 68 વર્ષીય વૃદ્ધ કારખાનેદારનો પગ લપસી જતાં ખાણમાં ખાબક્યા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ , મૂળ કોઠારિયા ગામના રહેવાસી અને રામનાથ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં કારખાનું ધરાવતા પરસોત્તમભાઈ કાળાભાઈ કિયાડા (ઉ.વ. 68) ગઈકાલે સવારે અંદાજે 11 વાગ્યે પોતાના કારખાને ગયા હતા. કારખાનાના મંદિરમાં પૂજા કર્યા બાદ ભગવાનને ચડાવેલા ફૂલો પધરાવવા માટે તેઓ નજીકની ખાણ પાસે ગયા હતા. આ દરમિયાન કિનારા પરથી અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ઊંડી ખાણમાં જઈ પડ્યા હતા. ઘટના જોઈ ગયેલા આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પરસોત્તમભાઈને ખાણમાંથી બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.પરિવારના જણાવ્યા મુજબ, પરસોત્તમભાઈ દર રવિવારે નિયમિતપણે કારખાને જઈ મંદિરમાં પૂજા-અર્ચના કરી ફૂલો પધરાવવા જતાં હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. આ અકસ્માતને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ આજી ડેમ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

